વાંકાનેરના મહિકામાં ખનિજ માફિયાના ત્રાસથી ત્રણ કૌટુંબિક ભાઇએ સજોડે ઝેર પીધું: એકનું મોત
50 વર્ષથી લીઝ પર ખેતી કરતા તે જમીન ખાલી કરાવવા મારકૂટ કરતા ત્રણેય યુવાને પગલું ભર્યું’તું: પરિવારમાં કલ્પાંત
વાંકાનેરમા મહિકા ગામે ખનીજ માફિયાઓના ત્રાસથી ત્રણ કૌટુંબીક ભાઇઓએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. પંચાયતની જમીન ઉપર લીઝ રાખી 50 વર્ષથી ખેતી કરતા પરિવારને ખનીજ માફિયાઓ ન આ લીઝ અમારી છે, ખાલી કરી જતા રહોથ તેમ કહી અવાર-નવાર ધમકીઓ આપી મારકૂટ કરતા હોવાથી કંટાળી ત્રણેય ભાઇઓએ વાડીએ જ ઝેરી દવા ગટગટાવી દેતા ત્રણેયને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા કલ્પેશ વિનોદભાઇ બાંભણીયા (ઉ.વ.23) તેનો ભાઇ વિશાલ વિનોદભાઇ બાંભણીયા (ઉ.વ.20)અને કૌટૂંબિક ભાઇ યશ હરીભાઇ બાંભણીયા (ઉ.વ.18) ત્રણેય આજે સવારે મહિકા ગામની સીમમાં નદી કાંઠે આવેલી પોતાની વાડીએ હતા ત્યારે ત્રણેયએ એક સાથે ઝેરી દવા પી લેતા ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં યશ હરીભાઇ બાંભણીયાનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક તપાસમાં કલ્પેશ અને વિશાલના પિતા વિનોદભાઇ બાંભણીયા પંચાયતની જમીન 50 વર્ષથી લીઝ ઉપર રાખી ખેતી કામ કરતા હતા અને પંચાયતને આ જમીનનુ રૂૂા.15 ભાડૂ ભરતા હતા. આ વિસ્તારમાં નદીકાંઠે ખનીજ માફિયાઓએ લીઝ રાખી હોય અને તેમની ખેતીની જમીન પચાવી પડવા માટે છેલ્લા એક મહિનાથી ત્રાસ આપતા હોય ખનીજ માફિયાઓ આ રેતીની લીઝ અમારી છે. તમે ખાલી કરી જતા રહો તેમ કહી અવાર-નવાર ધમકી આપી મારકૂટ કરતા હોય આજે પણ ખનીજ માફિયાઓ વાડીએ આવી હેરાનગતી કરતા ત્રણેય ભાઇઓએ ખનીજ માફિયાઓના ત્રાસથી આ પગલુ ભરી લીધાનુ જણાવ્યુ હતું. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.