રાજકોટ જિલ્લામાં ત્રણ બ્રિજ જર્જરિત હોવાનો રિપોર્ટ
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ હતી, જેના અધ્યક્ષ અને કલેક્ટરશ્રીએ વરસાદ બાદ પ્રવર્તમાન સ્થિતિમાં ધોરી માર્ગો અને સર્વિસ રોડ પર પડેલા ખાડાઓની મરામત વહેલી તકે પૂર્ણ કરવા વિવિધ એજન્સીઓને ખાસ તાકીદ કરી હતી. કલેકટરે ખાસ કરીને રાજકોટ-જેતપુર, રાજકોટ-ભાવનગર તેમજ રાજકોટ-અમદાવાદ હાઈવે, સર્વિસ રોડ પર પડેલા ખાડાઓને સમથળ બનાવી ચોમાસામાં વાહન ચાલકોને હાલાકી ન ભોગવવી પડે તે પ્રકારે કામગીરી કરવા ખાસ સુચના આપી હતી. સાથો સાથ હાઈવે ઉપર બાકી રહી ગયેલી પ્રિમોન્સુન કામગીરી પણ પૂર્ણ કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. બેઠકમાં નેશનલ હાઇવે, આર.એન્ડ. બી. પંચાયત તેમજ સ્ટેટ, રૂૂડા સહીત વિવિધ એજન્સી દ્વારા રસ્તા કામગીરીની સમીક્ષામાં હાલમાં સાત હનુમાન પાસે રાજકોટથી અમદાવાદ તરફ જતા રસ્તા પરનો ફ્લાયઓવર ખુલ્લો મુકવામાં આવ્યો હોવાનું તેમજ રાજકોટ ભાવનગર હાઇવે પર રોડ મરમ્મતની કામગીરી અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લાના 3 જેટલા બ્રીજ જર્જરીત હોવાનો કલેક્ટર સમક્ષ પ્રાથમિક રિપોર્ટ રજૂ થયો હતો. જેથી કલેક્ટરે બે દિવસમાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા સુચના આપી છે. આ રિપોર્ટ આવ્યા બાદ બ્રીજના પ્રશ્ર્ને વધુ એક બેઠક યોજવામાં આવનાર હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, આસિસ્ટન્ટ કલેકટર મહેક જૈન, પ્રાંત અધિકારી ચાંદની પરમાર, આર.ટી.ઓ. કેતન ખપેડ, રોડ સેફ્ટી કાઉન્સિલના જે.વી. શાહ. રૂૂરલ એસ.પી. એસ.એસ. રાઘવેન્દુ, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય સહિત શિક્ષણ, આર. એન્ડ. બી, 108, નેશનલ હાઇવે ઓથોરિટી, રૂૂડા, એલ.એન્ડ.ટી. સહીત વિવિધ વિભાગના અધિકારી તેમજ પ્રતિનિધીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્લેક સ્પોટ પર અકસ્માતો નિવારવા એન્જિનિયરિંગ કોલેજની મદદ લેવાશે
રોડ સેફટી કમિટીના મેમ્બરોએ ધોરાજી-ઉપલેટા હાઇવે પર સુપેડી ગામ પાસે થયેલ ગંભીર અકસ્માતની સ્થળ મુલાકાત લઈ અકસ્માતના કારણો અંગે સમીક્ષા કરી હતી. રાજકોટ જિલ્લાના બ્લેક સ્પોટ પર અકસ્માત નિવારણ અર્થે એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરને સાથે રાખી સુધારા સૂચન આપવા પણ ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આર.ટી.ઓ. તેમજ પોલીસ વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટર, એસ.ટી. ડેપોમાં ડ્રાયવર તેમજ શાળા કોલેજ ખાતે યોજાયેલ રોડ સેફ્ટી સેમિનારની માહિતી પૂરી પાડી હતી.