દ્વારકા નજીકના દરિયામાં નિયમોને નેવે મૂકી માછીમારી કરતાં ત્રણ સામે નોંધાયો ગુનો
બેટ દ્વારકામાં પણ એક માછીમાર સામે ગુનો
દેવભૂમિ દ્વારકા જિલ્લો ગુજરાત રાજ્ય અને ભારતનો છેવાળાનો જિલ્લો હોય, અહીં આવેલી વિશાળ જળસીમાના કારણે આતંકી કૃત્યો થવાની પૂરી દહેશત વચ્ચે સાવચેતી રાખવા તેમજ હાલ ચોમાસા સંદર્ભે માછીમારી સહિતના વિવિધ નિયમોને અનુસરવા માછીમારોને જાહેર તાકીદ કરવામાં આવે છે. તેમ છતાં પણ કેટલાક માછીમારો ટોકન લેવા સહિતની બાબતે ગંભીર બેદરકારી દાખવતા આ સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે.
દ્વારકા પોલીસ વિભાગ દ્વારા આ અંગે કરવામાં આવેલી કાર્યવાહીમાં દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા ઈસ્માઈલ ઈશા લુચાણી (ઉ.વ. 35) તેમજ અન્ય આરોપી એવા દોસ્તાના બોટના ટંડેલ ઈરફાન કાસમ લુચાણી દ્વારા આરોપી એવા દોસ્તાના બોટના માલિક ઈશા લુચાણી દ્વારા પોતાની ફિશિંગ બોટ મારફતે દરિયામાં માછીમારી કરવા જતા પોલીસે વિવિધ મુદ્દે કાર્યવાહી કરી હતી.
ઝડપાયેલા આરોપી ઈસ્માઈલ લુચાણી દ્વારા હાલની પરિસ્થિતિમાં કોઈપણ સમયે દરિયામાં તોફાન આવી શકે તેવા વાતાવરણ વચ્ચે તેની બોટમાં જી.પી.એસ. સિસ્ટમ રાખ્યા વગર ચોક્કસ દિશાનું માર્ગદર્શન મેળવ્યા સિવાય રાત્રિના સમયે આઈ.એમ.બી.એલ. ક્રોસ કરીને પાકિસ્તાનની જળ સીમામાં પ્રવેશ કરી જવાય તેમજ બોટમાં કોઈપણ સમયે ઇંધણ તેમજ રસોઈના સામાન ખુટી જવા કે દરિયાના પાણીના વહેણમાં બદલાવ આવવાથી બોટમાં નુકસાની થવાની કે બોટ ડૂબી જવાના જોખમની જાણ હોવા છતાં પણ માછીમારી કરવા ગયા હતા.
આ પોલીસ ફરિયાદમાં હાલ ફરાર જાહેર કરવામાં આવેલા બે આરોપી પૈકી બોટના માલિક કાસમ ઈશાએ પોતાના અંગત ફાયદા માટે તેમજ અન્ય ફરાર આરોપી એવા ઈરફાન કાસમ દ્વારા બોટમાં સવાર ખલાસીઓને મોકલી બંનેએ માછીમારી બોટમાં સવાર થઈ, ટંડેલ આરોપી ઈરફાન કાસમ નાસી છૂટ્યો હતો.
આ રીતે બોટમાં સેફ્ટીના સાધનો કે અગ્નિશામક સાધનો, જી.પી.એસ. સિસ્ટમ રાખ્યા વગર માછીમારી કરવાના આ પ્રકરણમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વટહુકમની કલમ હેઠળ ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ટી.ડી. ચુડાસમા દ્વારા હાથ ધરવામાં આવી છે. અન્ય એક કાર્યવાહીમાં બેટ દ્વારકા પોલીસ દ્વારા બાલાપર વિસ્તારમાં રહેતા આદમ હાસમ સુંભણીયા (ઉ.વ. 47) નામના માછીમાર શખ્સ સામે મંજૂરી વગર પોતાની માછીમારી બોટ મહેબૂબે કિરમાણી લઈને દરિયામાં માછીમારી કરવા જતા તેની સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા અન્વયે ગુનો નોંધ્યો હતો.