સાસણમાં સિંહ દર્શન માટેના ઓનલાઇન ટિકિટ કૌભાંડમાં ત્રણ શખ્સોની ધરપકડ
બે જૂનાગઢ અને અમદાવાદના શખ્સોનું કારસ્તાન: 12000 ટિકિટ વેંચી હોવાની કબૂલાત
એશિયાટિક લાયનનું રહેઠાણ આવે સાસણ ગીરમાં સિંહદર્શન માટેની ઓનલાઈન પરમિટ બુક કરાવીને તેને બ્લેકમાં ઊંચા ભાવે વેચવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સીઆઈડી સ્ટેટ સાયબર સેલે આ મામલે મોટી કાર્યવાહી કરીને અમદાવાદ અને જૂનાગઢની બે ટ્રાવેલ એજન્સીના સંચાલકો અને એક ખાનગી વ્યક્તિ સહિત કુલ ત્રણ શખસોની ધરપકડ કરી છે, જેમણે 12 હજારથી વધુ પરમિટનું અનઅધિકૃત બુકિંગ કર્યું હતું.
આ સમગ્ર પ્રકરણમાં સીઆઈડી ક્રાઇમની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ બોગસ દસ્તાવેજો, ખોટી ઓનલાઈન ટ્રિક્સ અને ટેકનિકલ ક્ષતિઓનો લાભ લઈને મોટા પાયે બલ્કમાં બુકિંગ કરતા હતા. સીઆઈડી સાયબર સેલે અમદાવાદની અઇ ટુર્સ એન્ડ ટ્રાવેલ અને જૂનાગઢની નાઝ ટ્રાવેલ સામે કાર્યવાહી કરી છે.
પકડાયેલા ત્રણ આરોપીઓ અલ્પેશ મનસુખલાલ ભલાણી (રહે. હેબતપુર રોડ, થલતેજ, અમદાવાદ), સુલતાન ઉસ્માનભાઈ બલોચ (રહે. સાસણગીર, તા-મેંદરડા, જિ-જૂનાગઢ), એજાજ નુરમહમંદભાઈ શેખ (રહે. સાસણગીર, તા-મેંદરડા, જિ-જૂનાગઢ) એ અત્યાર સુધીમાં અંદાજે 12,000 જેટલી પરમિટ ખોટી રીતે બુક કરીને તહેવારોનો લાભ લઈને વધુ ભાવે વેચી હતી. આ સમગ્ર કૌભાંડમાં લાખો રૂૂપિયાની નાણાકીય લેવડદેવડ થઈ હોવાનું પોલીસનું અનુમાન છે.
સીઆઈડી સાયબર સેલની તપાસમાં કૌભાંડની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓએ સરકારની સત્તાવાર વેબસાઇટ જેવી જ લાગતી છથી વધુ બોગસ વેબસાઇટ્સ બનાવી હતી. ટ્રાવેલ્સ એજન્સીના નામે અલગ-અલગ ઈમેઈલ આઈડીમાં સામાન્ય ફેરફાર કરીને તેમજ એક જ નામથી વધુ બુકિંગ કરીને તેઓ પરમિટનો જથ્થો મેળવી લેતા હતા.