મોરબીના મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના સૂત્રધાર સહિત ત્રણ આરોપી રાજકોટ કોર્ટમાં સરન્ડર
મોરબીના ચકચારી એવા મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીઓ વર્ષોથી ફરાર હતા. આ ત્રણેય આરોપીઓએ રાજકોટમાં આવેલી ગુજસીટોકની કોર્ટમાં સરેન્ડર કર્યું છે. કોર્ટે ત્રણેય આરોપીઓને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.
રાજ્યમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમને રોકવા માટે થઈને સરકાર દ્વારા કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે અને ઓર્ગેનાઈઝ ક્રાઇમ કરતી ગેંગ સામે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો મોરબીમાં વર્ષ 2021 માં આરીફ મીર અને તેની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો હતો અને 18 શખ્સની સામે જે તે સમયે ગુનો નોંધાયો હતો તે પૈકીના 15 આરોપીઓની સમયાંતરે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જોકે આ ગુનામાં આરીફ મીર સહિતના ત્રણ આરોપીઓને પદ્વના બાકી હતા જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી.
તેવામાં આરીફ ગુલમામદભાઇ ધોળા જાતે મીર, મકસુદભાઇ ગફુરભાઇ સમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા જાતે કુરેશીએ ગુજસીટોકની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું જેથી કરીને કોર્ટે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરેલ છે.ગુજસીટોકના 18 આરોપીઓની 30 મિલકતોની જુદી જુદી સરકારની એજન્સીઓ પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવી હતી. ત્યાર બાદ આરોપીઓ વિરુદ્ધ ગૃહ વિભાગમાં મિલકતો જપ્તી કરવા માટે તેને દરખાસ્ત મોકલવામાં આવી હતી. જે દરખાસ્તને મંજૂર કરવામાં આવ્યા બાદ આરીફ મીરની બે મિલકતો સહિત કુલ મળીને 16 મિલકતોને સીલ કરવામાં આવી છે. જે મિલકતોને સીલ કરવામાં આવી હતી તેની સરકારના જંત્રીદાર મુજબની કિંમત ગણીએ તો 1.80 કરોડ રૂૂપિયા જેટલી થતી હતી.
તે ઉપરાંત આરોપીઓના 24 જેટલા બેન્ક એકાઉન્ટ સીલ કરવામાં આવ્યા હતા. જેમાં 12.50 લાખ જેટલી રકમ હતી. જ્યારે મિલકતો સીલ કરવામાં આવી હતી ત્યારે, ચાર મિલ્કતમાં આરોપીઓનો પરિવાર રહેતો હતો. જેથી તે મિલકતો સીલ કરવામાં આવી ન હતી.જે આરોપીઓએ કોર્ટમાં સરેન્ડર કર્યું છે તે આરીફ ગુલમામદભાઇ ધોળા, મકસુદભાઇ ગફુરભાઈ સમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઈ મતવા કોર્ટમાં હાજર રહેવા માટે ગુજસીટોકે ફરમાન કર્યું હતું તો પણ તે હાજર થયા ન હતા, જેથી આ આરોપીઓને ટોપ વોન્ટેડ જાહેર કર્યા હતા અને આરીફ ગુલમામદભાઈ ધોળા માટે 1 લાખ, મકસુદભાઇ ગફુરભાઇ સમા માટે 40,000 અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા માટે 30,000નું ઇનામ જાહેર કર્યું હતું.