એક જ દિવસમાં વડોદરાની બે સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, સિગ્નસ બાદ ડી.આર.અમીન સ્કૂલને ધમકીભર્યો મળ્યો ઇ-મેલ
વડોદરામાં એક જ દિવસમાં બીજી એક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હરણીની સિગ્નસ સ્કૂલ બાદ હવે અકોટા વિસ્તારમાં આવેલી ડી.આર.અમીન સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકીનો ઇ-મેલ મળતાં મળતા દોડધામ મચી હતી. પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.
ડી.આર.અમીન સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મળતા તાત્કાલિક શિક્ષણકાર્ય બંધ કરવામાં આવ્યું હતું. વાલીઓ પણ મોટી સંખ્યામાં સ્કૂલે આવી જતા ભયનો માહોલ સર્જાયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે સ્કૂલમાં દોડી ગયા હતા અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની મદદ લઈ તપાસ શરૂ કરી છે. આ અંગે DCP ઝોન 2એ જણાવ્યું હતું કે, આ ઈ-મેલમાં પણ કન્ટેન્ટ અગાઉ મોકલેલા ધમકીભર્યા ઈ-મેલ જેવું જ છે.
વડોદરામાં એક પછી એક સ્કૂલને બોમ્બની ધમકી મળી રહી છે પરંતુ પોલીસ હજી ધમકીભર્યા ઇ-મેલ કરનાર સુધી પહોંચી શકી નથી. આજે સવારે હરણી મોટનાથ રોડ પર આવેલી સિગ્નસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરડીએક્સ મૂક્યો છે અને ગમે ત્યારે બ્લાસ્ટ થશે તેવી ધમકી મળી હતી. અને ત્યાર બાદ ડી.આર.અમીન સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.