અમદાવાદમાં IPLની ફાઇનલ વચ્ચે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPLની ફાઇનલ મેચ રમાવવાની છે. ત્યારે ફાઇનલ વચ્ચે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદના SP રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ શાળાને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. સ્કૂલે આ ધમકી અંગે પોલીસ-DEO કચેરીને જાણ કરી હતી. ત્યારબાદ બોમ્બ સ્કવોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
સ્કૂલના સંચાલક હરેશ વાઢેરે જણાવ્યું હતું કે, ઈ-મેલ આવતાં જ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્કૂલમાં આવીને બોમ્બ-સ્ક્વોડ સાથે તપાસ કરી હતી, પરંતુ કંઈ મળ્યું નથી. DEO કચેરીને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.
સ્કૂલને મોકલવામાં આવેલા ઇમેલમાં દહેજ અને દુષ્કર્મના એક કેસ અંગે વાત કરવામાં આવી છે. આ કેસમાં દિવિજ નામના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને દિવિજના માતા પિતા દ્વારા પુત્રવધૂ પાસે એક કરોડના દહેજની માંગણી કરાઇ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. દિવિજના માતા પિતા સામે દહેજના કેસમાં કેમ કોઈ કાર્યવાહી થઈ રહી નથી? આટલું જ નહીં પોલીસ આ કેસમાં યોગ્ય તપાસ કરતી ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.