ભોમેશ્ર્વરમાં ટ્રાફિક જામમાં પીસાતા હજારો રહીશો
વન-વેના જાહેરનામાના ઉલાળિયાના કારણે સતત ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ, પોલીસની કામગીરી માત્ર દેખાવ પૂરતી
સાંઢિયા પુલ ઓવરબ્રિજની કામગીરીથી રોજીંદી અંધાધૂંધી જેવી સ્થિતિ, અનેક વખત રજૂઆતોનું પરિણામ શુન્ય
રિક્ષા, કાર સહિતના મોટા વાહનોથી રાહદારીઓમાં અકસ્માતનો ભય: પેટ્રોલ-ડીઝલ- કેમિકલ્સના સતત ચાલતા ટેન્કરો બંધ કરાવી પગલાં ભરવા માંગ
જામનગર રોડ પરના સાંઢીયા પુલને તોડી નવા બનાવવાની ચાલતી કામગીરી દરમિયાન ભોમેશ્ર્વર વાડી અને પ્લોટ વિસ્તારમાંથી તંત્રએ આપેલા ડાયવર્જનથી બન્ને વિસ્તારના આશરે 5 થી 6 હજાર લતાવાસીઓ ભયના ઓથાર તળે આવી ગયા છે.
આ વિસ્તારના જાગૃત લોકોએ રોષભેર જણાવ્યું છે કે, ડાયવર્ટ વાહન વ્યવહારમાં માત્ર દ્વીચક્રી વાહનો અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. છતાં જાહેરનામાનો સરેઆમ ઉલાળીયો કરી ભોમેશ્ર્વરની પ્રજાને બાનમાં લેવાઇ હોવાનો અહેસાસ સૌ દ્વારા ભીતિ સ્વરૂપે વ્યકત કરાયો છે.
આ બાબતે વધુ વિગતો આપતા ભોમેશ્ર્વર વાડી- પ્લોટ વિસ્તારના લોકોનું કહેવું છે કે, જામનગર રોડ પર સાંઢીયા પુલને નવા બનાવવાની કાર્યવાહી શરૂ થતાં આ રોડ પરથી પસાર થતાં ટ્રાફીકને ભોમેશ્ર્વર વાડી અને પ્લોટ વિસ્તારમાંથી ડાયવર્ટ કરાયો છે.
મતલબ કે આ બન્ને વિસ્તારોના મુખ્ય રોડ પરથી ડાયવર્ઝન શરૂ કરાયું છે. અહીં સુધી લતાવાસીઓને વાંધો કે કોઇ તકલીફ ન હતી પણ ભોમેશ્ર્વર વાડી અને ભોમેશ્ર્વર પ્લોટ વિસ્તારમાંથી કઢાયેલા ડાઇવર્ઝન બાદ માત્ર ટુ વ્હીલર વાહનોના આવન-જાવનનું જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.
આમ છતાં દિવસ રાત રીક્ષા, કાર, ટ્રક, ટેન્કરના સતત ધમધમાટથી આ બન્ને વિસ્તારના 5 થી 6 હજાર લતાવાસીઓ અકસ્માતના ભયના ઓથાર તળે આવી ગયા છે. એટલું જ નહી પો.કમિશનરના જાહેરનામાનો બેરોકટોક ઉલાળીયો કરી મોટા વાહનોનો ધમધમાટ ચાલુ હોવાની લતાવાસીઓની ફરીયાદ છે.
રેલવે ફાટકને લીધે ભોમેશ્ર્વરનો રસ્તો વન-વે કરવા માગણી
શહેર પોલીસ કમિશનર, ધારાસભ્ય, પીજીવીસીએલ, શહેર ભાજપ પ્રમુખ વિગરેને કરાયેલી રજૂઆતમાં જાગૃત લોકોએ જણાવ્યુ છે કે, ભોમેશ્ર્વર વિસ્તારમાં રેલવેનું ફાટક આવ્યુ હોવાથી દિવસ દરમિયાન બાર ટ્રેન આવન જાવન કરે છે આ સમયે ટ્રાફિક જામ થવાની સમસ્યા વારસોથી સહન કરવામાં આવે છે. અધુરામા પુરુ સાંઢિયા પુલના રીપેરીંગને લીધે અહીંથી ડાયર્વટ કરેલા ટ્રાફિકથી લતાવાસીઓને સમસ્યા અનહદ વધી ગઇ છે યારે ભોમેશ્ર્વરનો રસ્તો વન-વે કરી ટ્રાફિક સમસ્યા હલ કરવા માંગણી ઉઠી છે.
ભોમેશ્ર્વર વિસ્તારના રિક્ષા, કાર ચાલકોને રાત્રીના પાસ કાઢી આપો
ભોમેશ્ર્વરમાંથી શરૂ કરાયેલ ડાઇવર્ઝનમાં માત્ર દ્વિચકી વાહનોને ચાલવાનું જ પોલીસ તંત્રનું જાહેરનામું અમલી બનાવાયું છે. આ જાહેરનામું વાજબી છે અને મોટા વાહનોની અવરજવર બંધ થાય તે સ્વીકાર્ય છે. પણ આ વાતમાં એટલે કે જાહેરનામાનાં અમલમાં ભોમેશ્ર્વર વાડી અને ભોમેશ્ર્વર પ્લોટનાં રહીશોને હેરાનગતી ન ભોગવવી પડે તે માટે માત્ર આ બન્ને વિસ્તારોના મોટા વાહન એટલે કે રીક્ષા- કારના રાત્રી પાસ કાઢી આપવા જાગૃત લોકોની માંગણી છે.
મહિલા વર્ગ-બાળકો ઘર બહાર નીકળી શકતા નથી: લતાવાસીઓ ત્રાહિમામ
જાહેરનામાનો ભંગ કરી ભોમેશ્ર્વર વિસ્તારમાંથી બેફામ વાહનો દોડતા હોવાથી આ લતાના ખાસ કીને મહીલાઓ, બાળકોને રોડ પરના મકાનોમાંથી બહાર નિકળવું મુશ્કેલ બન્યું હોવાની લતાવાસીઓની ફરીયાદ છે. રાહદારીઓ પણ ટ્રાફિક જામ વચ્ચે ચાલવામાં ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. બાઇક ચાલકો તો મોટા વાહનોના ટ્રાફિકમાં જ રોડ પર ફસાઇને હેરાન પરેશાન થાય છે ત્યારે અહીં ટ્રાફિકની સમસ્યા નિવારવા મોટા વાહનોની અવરજવર તાત્કાલીક બંધ કરવી જરૂરી હોવાનું ભોમેશ્ર્વર વિસ્તારના જાગૃત લોકો કહે છે.
ટ્રાફિક સમસ્યાનું નિવારણ ન કરાય તો આંદોલન છેડાશે
ભોમેશ્ર્વરના જાગૃત નાગરિકોએ રોષભેર જણાવ્યુ છે કે, અહીંની ટ્રાફિક સમસ્યા, કઢાયેલા ડાયવર્ઝન બાબતે બહાર પડાયેલા જાહેરનામા ભંગ બાબતે અવારનવાર રજૂઆતો કરાઇ હોવા છતા કોઇ પરિણામ આવતુ ન હોય આગામી સપ્તાહમાં લતાની મહિલાઓને સાથે રાખી આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારાઇ છે.