રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોકુલનગરમાં વારંવાર વીજકાપથી હજારો લોકો પરેશાન

12:25 PM Jul 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

છેલ્લા દસેક દિવસોથી આ વિસ્તારોમાં એકાંતરે વીજકાપ લાદવામાં આવે છે: ઉપરાઉપરી વીજકાપને કારણે ઉદ્યોગકારો સહિતના હજારો ધંધાર્થીઓ અને રહેવાસીઓને ભારે હાલાકીઓ: વરસાદ ખેંચાતા ફાટી નીકળેલી કાળઝાળ ગરમીમાં વીજકાપને કારણે દાઝયા પર ડામ જેવી હાલત

જામનગર શહેરના ગોકુલનગર સહિતના નગરસીમ વિસ્તારોમાં છેલ્લા દસેક દિવસથી ઉપરાઉપરી વીજકાપ લાદવામાં આવતો હોય, કાળઝાળ ગરમીમાં હજારો રહેવાસીઓ અને ધંધાર્થીઓ ભારે અકળામણ અનુભવી રહ્યા છે. વીજકાપને કારણે એક તરફ લોકોના સેંકડો કામો રઝળી રહ્યા છે અને બીજી તરફ આકરી ગરમીને કારણે લોકો બેબાકળા બની ગયા છે.

શહેરના ગોકુલનગર અને મયૂરનગર સહિતના વિસ્તારોમાં છેલ્લા દસેક દિવસથી વીજતંત્ર દ્વારા એકાંતરે વીજકાપ લાદવામાં આવે છે. આ વીજકાપ સવારે સાતેક વાગ્યાથી બપોરના બેત્રણ વાગ્યા સુધી વારંવાર લાદવામાં આવતો હોય હજારો રહેવાસીઓ અને ધંધાર્થીઓ ત્રાહિમામ્ પોકારી ગયા છે. વીજકાપને પરિણામે પાણીના ટાંકા ભરવા સહિતના લોકોના સેંકડો કામો ઘણાં દિવસોથી રઝળી પડ્યા છે. ગૃહિણીઓ સહિતના હજારો લોકો આ વારંવારના અને દિવસો સુધીના વીજકાપને પરિણામે ખૂબ જ પરેશાન છે.

આ વરસે વરસાદ પણ ખેંચાયો છે. તેના કારણે જામનગર શહેરમાં ગરમી અને ઉકળાટે કાળો કેર વર્તાવ્યો છે જે દરમિયાન ઉપરાઉપરી આ રીતે સવારથી બપોર સુધી વીજકાપ રહેતો હોય, લોકોમાં ભારે અકળામણ છે. હજારો ઉદ્યોગકારો સહિતના ધંધાર્થીઓ પણ આ વારંવારના વીજકાપને કારણે ભારે હાલાકીઓનો સામનો કરી રહ્યા છે.

ઈન્સ્યુલેશન-કંડક્ટર કામગીરીઓ ચાલી રહી છે: વીજતંત્ર

ગોકુલનગર સહિતના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારનો વારંવારનો વીજકાપ શા માટે લાદવામાં આવે છે ? એ પ્રશ્નના ઉત્તરમાં વીજતંત્રના અધિકારી હસમુખ કાપડિયા જણાવે છે કે, આ તમામ વિસ્તારોમાં વારંવાર ફીડર ટ્રીપ થવાની અને મકાનોની નજીકના વાયરોને કારણે અકસ્માત થવા સહિતની ફરિયાદો અવારનવાર ઉઠતી હતી. આ મુદ્દે શહેર ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા વીજતંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને આ સમસ્યાઓનું નિરાકરણ લાવવા સૂચન કરવામાં આવ્યું હતું. આ અનુસંધાને વીજતંત્ર દ્વારા આ વિસ્તારમાં ઈન્સ્યુલેટેડ કંડક્ટર, ઈન્સ્યુલેટેડ લાઈન તથા જમ્પર અને ટ્રાન્સફોર્મર સમારકામ સહિતની કામગીરીઓ મોટાપાયા પર કરવામાં આવી રહી છે. એચટી લાઈન માટેની કામગીરીઓમાં 50-60 કર્મચારીઓને તથા નાની લાઈનના કામો માટે 10-15 કર્મચારીઓની ટૂકડીઓને કામગીરીઓ સોંપવામાં આવી છે. આજે 19મી જૂલાઈએ મયૂરનગર સહિતના વિસ્તારોમાં અને આવતીકાલે 20 જૂલાઈએ ગોકુલનગર સહિતના વિસ્તારોમાં આ કામગીરીઓ હાથ ધરવામાં આવશે. તાજેતરમાં વરસાદને કારણે બે દિવસ આ કામગીરીઓ બંધ રાખવામાં આવી હતી. આ કામગીરીઓ પૂર્ણ થતાં આ તમામ વિસ્તારોમાં વારંવારના વીજ ફોલ્ટની સમસ્યાઓનો ઉકેલ આવી જશે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar newspower cut
Advertisement
Next Article
Advertisement