ઓચિંતા વરસાદથી કેરીના હજારો બોક્ષ પલળી ગયા
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે વહેલી સવારથી ચાલી રહેલી કેરીની હરાજી દરમિયાન અચાનક પડેલા ભારે વરસાદના કારણે હજારો કેરીના બોક્સ પલળી ગયા છે. વરસાદી પાણીમાં કેરીના બોક્સ તણાયા અને ઘણી જગ્યાએ કેરી જમીન પર વેરાઈ ગઈ હતી.
આ ઘટનાથી ખેડૂતો, ઈજારેદારો અને વેપારીઓને લાખો રૂૂપિયાનું નુકસાન થયાની થઈ છે.
આક્ષેપો મુજબ માર્કેટિંગ યાર્ડમાં કોઈપણ પ્રકારની સગવડ ઉપલબ્ધ નથી. ન તો યોગ્ય શેડની વ્યવસ્થા છે, ન પક્કા રસ્તા છે અને ન તો ડ્રેનેજ સુવિધા. આ બધું છતાં યાર્ડમાં દરેક કેરીના બોક્સ પાછળ રૂૂ. 2 સેસ વસૂલવામાં આવે છે. ખેડૂતોએ આ મુદ્દે છેલ્લા કેટલાય વખતથી લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ યાર્ડના સત્તાધીશો આંખ આડા કાન કરી બેઠા છે.
વેપારી અદ્રેમાન પંજાએ ગુસ્સે સાથે જણાવ્યું કે, અમે છેલ્લા ત્રણ વર્ષથી માંગણી કરીએ છીએ કે ફળો માટે અલગ સેડ બનાવો, રોડ પક્કા કરો અને ગટર વ્યવસ્થા કરો. પરંતુ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. આજે અચાનક વરસાદ આવતા કેરીના બોક્સ પાણીમાં તણાઈ ગયા, કેટલીક કેરી પાણીમાં વહી ગઈ. ખેડૂત અને ઈજારેદારને ભારે નુકસાન થયું છે.
ફળ પેઢી ધરાવતા કરણભાઈએ જણાવ્યું કે, માર્કેટિંગ યાર્ડમાં લાવેલા લગભગ 25 થી 30 હજાર કેરીના બોક્સને નુકસાન પહોંચ્યું છે. અનેક બોક્સ પલળી ગયા, કેરીઓ જમીન પર વેરાઈ ગઈ હતી. નુકસાનીનો અંદાજ ઓછામાં ઓછું 1 કરોડ રૂૂપિયાનો છે.યાર્ડના ઇન્સ્પેક્ટર હરેશ ગજેરાએ કહ્યું કે, આજની તારીખે 17,000 બોક્સની આવક નોંધાઈ છે. અતિશય આવકને કારણે નીચે પણ બોક્સ ઉતારવાની ફરજ પડી હતી, જેથી વરસાદે અસર કરી. કેરીને મોટું નુકસાન થયું નથી, પણ બોક્સ પલળી ગયા છે. યાર્ડમાં શાકભાજી અને ફળો માટે એક જ શેડ હોવાથી જગ્યા ઓછી પડે છે. તેમણે સ્વીકાર્યું કે, સફાઈ કામદારો છેલ્લા બે દિવસથી હડતાલ પર છે, જેના કારણે ગંદકી વધી છે. નવી ટીમને બોલાવી સફાઈ શરૂૂ કરાઈ છે. તૂટી ગયેલા શેડને રીપેર કરવા માટે ચોમાસા બાદ કામ હાથ ધરાશે.