ભાણવડ ખાતે ‘આપ’ની કિસાન મહાપંચાયતમાં હજારો ખેડૂતો ઉમટયા
પંજાબમાં સરકારે ખેડૂતોને હેકટરે 50 હજારનું વળતર ચૂકવ્યું, તો ગુજરાતમાં કેમ નહીં?: ઈસુદાન
વિસાવદર ચૂંટણી બાદ ભાજપ અને કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું: ગોપાલ ઇટાલિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે રવિવારે સાંજે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની દેવા માફી સહિત 10 અલગ અલગ માંગોને મુદ્દે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, પ્રદેશ ફ્રન્ટલ સંગઠન મહામંત્રી સામત ગઢવી, સહિતના સમગ્ર રાજ્યભરમાંથી નેતાઓ આ ખેડૂત મહાપંચાયતમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં સમગ્ર ગુજરાતમાં મહત્વપૂર્ણ નિયુક્તિઓ કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ સભામાં ઉપસ્થિત સૌનો સૌ પ્રથમ આભાર વ્યક્ત કર્યા બાદ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી જ્યારે પ્રધાનમંત્રી બનવાના હતા ત્યારે કહેતા હતા કે એવી ફસલ બીમા યોજના લાવવી છે કે ખેડૂતે મગફળી ઉતારી લીધી હોય પાથરા પડી ગયા હોય થ્રેસરમાંથી મગફળી કાઢવાની બાકી હોય અને કમોસમી વરસાદ થાય તો પણ પાક વીમો મળશે એવું કહ્યું હતું. શું તમને કોઈને પાક વીમો મળ્યો છે? પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માત્ર ગુજરાતમાં જ બંધ છે બાકી અન્ય રાજ્યમાં ચાલુ છે. 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાનું કહ્યું હતું પરંતુ હાલ જાવક ડબલ થઈ ગઈ છે. ભાજપે ખેડૂતોને, મજૂરોને, ભાગીયાને રોડ ઉપર લાવી દીધા છે. એટલા માટે મારે ભાજપનો વિરોધ કરવો પડે છે. ભાજપના રાજમાં માત્ર ભાજપના 20,000 પદાધિકારીઓનો જ વિકાસ થયો છે.
આજથી મગફળીની ખરીદી શરૂૂ થઈ ગઈ છે. માત્ર 125 માણસ મગફળીની ખરીદી કરવામાં આવી છે. ભાજપના કોઈ સાંસદ ધારાસભ્યની તાકાત નથી કે એવું બતાવે કે 250 મણ મગફળીની ખરીદી કરો નહીં તો હું રાજીનામું આપું છું. ભાજપમાં રહેલા તમામ લોકોને મલાઈ જોઈએ છે એ મલાઈ ખાવા માટે આ ટેકાના નાટકો ચાલે છે. તેમ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું. ત્યાર બાદ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, વિસાવદરના ખેડૂતોએ પેટા ચૂંટણીમાં ક્રાંતિ કરી બતાવી, આ પછી સમગ્ર ગુજરાતમાં એક નવો આત્મવિશ્વાસ પેદા થયો છે. વર્ષોથી ભાજપે એવું તંત્ર બનાવ્યું હતું કે કોઈ માણસને કંઈ બોલવા દેવામાં આવતા ન હતા. સરકારને એક પણ સવાલ કરો અથવા તો સરકારની ટીકા કરો તો ભાજપના ગુંડાઓ અથવા તો પોલીસ આવીને તમને દબાવી દેવાની કોશિશ કરે છે. આ જ રીતે ભાજપે 30 વર્ષ સુધી દબાણ અને ડંડાની સરકાર ચલાવી. પરંતુ જ્યારથી વિસાવદરના ખેડૂતોએ પેટા ચૂંટણીમાં સાવરણો માર્યો છે, ત્યારથી સમગ્ર ગુજરાતના લોકોમાં નવી હિંમત આવી છે. હવે સમગ્ર લોકો જાગ્યા છે અને મજબૂતીથી નીડર બનીને પોતાનો અવાજ ઉઠાવવા લાગ્યા છે.
જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય છે. ગત વર્ષે પણ જ્યારે ખેડૂતોનો પાક બરબાદ થયો ત્યારે સરકારે ખૂબ મોડું મોડું પેકેજ જાહેર કર્યું હતું. સરકારે આ વખતે પણ પેકેજ જાહેર કર્યું, પરંતુ ગઈ વખત પણ એક હેકટરે 22,000 આપ્યા હતા અને બે હેક્ટર દીઠ 44,000 આપ્યા હતા તો એ પ્રમાણે આ વખતે પણ 44,000 જ આપ્યા છે, તો આ ઐતિહાસિક પેકેજ કઈ રીતે કહી શકાય.?
