કોળિયાક દરિયામાં ભાદરવી અમાસના મેળામાં હજારો ભાવિકો દરિયાઈ સ્નાન કરી નિષ્કલંક થયા
સિહોર, ગોપનાથ, ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં પણ ભાદરવી અમાસનો મેળો યોજાયો
આજે ભાવનગર નજીકના કોળીયાક ખાતે આદરવી અમાસના ભાતીગળ લોકમેળા હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા . જેમાં ગુજરાત રાજય જ નહિ બલકે અન્ય પરપ્રાંતોમાંથી પણ આવેલા લાખો શ્રધ્ધાળુઓ કોળીયાકના શ્રધ્ધેય નિષ્કલંક મહાદેવજીના દરિયામાં પૂજન અર્ચન કરી દરિયામાં અમાસનું પવિત્ર સ્નાન કરીને નિષ્કલંક થયા હતા.
દેવાધિદેવ મહાદેવની આરાધનાના પાવનકારી શ્રાવણ માસના અંતિમ દિવસને અનુલક્ષીને તા.1 સપ્ટેમ્બરના રોજ પાંચમાં શ્રાવણીયા સોમવારે ભાદરવી (સોમવતી)અમાસના પર્વે વહેલી સવારથી જ ગોહિલવાડના પ્રાચીન અને અર્વાચીન શ્રધ્ધેય શિવાલયોમાં ભાવિકો હર હર (મહાદેવ)ને રિઝવવા માટે જળાભિષેક,દુગ્ધાભિષેક બીલીપત્ર અને ચોખા ચઢાવવા માટે બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.સોમવારે દિવંગત પિતૃઓના તર્પણ અને શ્રાધ્ધ માટેની સર્વોત્તમ તિથિ હોય પિતૃકાર્યો સંપન્ન કરવા માટે હરિ (વિષ્ણુ) ભગવાનનું શાસ્ત્રોકત રીતે વિધિવિધાનપુર્વક પૂજન અર્ચન કરાશે.
હરિ, હર અને પિતૃઓની ઉપાસનાના સર્વશ્રેષ્ઠ દિવસ ભાદરવી અમાસે તમામ શિવાલયોમાં મહાદેવને ફૂલનો વિશિષ્ઠ શણગાર કરાશે. જપ, તપ અને દાન પૂજા માટે પણ સર્વોત્તમ દિવસ હોય ચોમેર પુણ્યકાર્યો અને જીવદયા પ્રવૃતિઓ થશે અને આજના પવિત્ર દિવસે પીપળાના પૂજન માટે પણ શ્રધ્ધાળુઓ ઉમટી પડશે. ભાવનગર શહેરના વડવા ચાવડી ગેટ ખાતે ખોડિયાર યુવક મંડળ દ્વારા ભાતીગળ લોકમેળો યોજાશે. આ ઉપરાંત શહેરના આખલોલ, સિહોરના બ્રહ્મકુંડ, નાના અને મોટા ગોપનાથ, સિધ્ધનાથ ત્રિવેણી સહિતના અનેક સ્થળોએ પણ ભાતીગળ લોકમેળાની રંગત જામશે. જયાં ભાવિકો પરિવારજનો સાથે પવિત્ર સ્નાન અને લોકમેળાની મોજ માણવા ઉમટી પડશે.
કોળીયાકમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે સૌ પ્રથમ ભાવનગર ગોહિલવંશના રાજવી પરિવાર દ્વારા શાસ્ત્રોકત પૂજનવિધિ સાથે ધ્વજા ચઢાવાતી હોય શનિવારે શહેરના નિલમબાગ પેલેસ ખાતે રાજવી પરિવારના હસ્તે ધ્વજાજીનું વિધિવિધાનપુર્વક પૂજન અર્ચન કરી નિષ્કલંક મહાદેવજીની ધ્વજાને કોળીયાક તરફ પ્રસ્થાન કરાવાયુ હતુ. આ ધ્વજાને સોમવારે સવારે મંગલ મુર્હૂતે વાજતે ગાજતે નિષ્કલંક મહાદેવજીને ચઢાવવામાં આવી હતી. ત્યારબાદ પરંપરાગત રીતે લોકમેળાને ભાવિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.