For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમાન્ય બોર્ડ કે કોલેજમાંથી અભ્યાસ કરનારનું રજિસ્ટ્રેશન નહીં થાય

01:23 PM Jun 03, 2025 IST | Bhumika
અમાન્ય બોર્ડ કે કોલેજમાંથી અભ્યાસ કરનારનું રજિસ્ટ્રેશન નહીં થાય

પ્રવેશ મેળવતા પહેલાં કોલેજની મંજૂર બેઠકો ચકાસો, ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની ચેતવણી

Advertisement

ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા રાજ્યના ડિપ્લોમા અને ડિગ્રી ફાર્મસી કોર્ષમાં પ્રવેશ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓને છેતરામણીથી બચાવવા અને તેમનું શોષણ અટકાવવાના હેતુસર અત્યંત મહત્ત્વપૂર્ણ સૂચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા ભવિષ્યમાં વિદ્યાર્થીઓને થતી મુશ્કેલીઓથી બચાવશે અને તેમના શૈક્ષણિક ભવિષ્યને સુરક્ષિત કરશે.

ગુજરાત ફાર્મસી કાઉન્સિલ અધિનિયમ, 1948 ની જોગવાઈ મુજબ, ડિપ્લોમા ઇન ફાર્મસીના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ-12 સાયન્સની પરીક્ષા ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અથવા મેથેમેટિક્સના વિષયો સાથે પાસ કરેલી હોવી ફરજિયાત છે.

Advertisement

કાઉન્સિલ દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે, જે વિદ્યાર્થીઓએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ-12 પાસ કરેલું હશે, તેને જ ફાર્મસી કોલેજમાં પ્રવેશ મળી શકશે. આ ઉપરાંત, જો કોઈ વિદ્યાર્થીએ અમાન્ય બોર્ડમાંથી ધોરણ-12 પાસ કરી ફાર્મસીમાં એડમિશન મેળવેલું હશે, તો તેવા વિદ્યાર્થીઓ ફાર્મસીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા રજિસ્ટ્રેશનને પાત્ર ગણાશે નહીં.

ધોરણ-12 ના પરિણામ આવ્યા બાદ ફાર્મસી વિદ્યાશાખામાં ડિપ્લોમા અથવા ડિગ્રીમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ સ્પર્ધા જોવા મળે છે. આ સ્પર્ધા વચ્ચે વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાય નહીં તે માટે, કાઉન્સિલે સૂચવ્યું છે કે વિદ્યાર્થીઓએ ફાર્મસી વિદ્યાશાખાના ડિપ્લોમા અથવા ડિગ્રી અભ્યાસક્રમમાં ગુજરાત અથવા ગુજરાત બહાર કોઈપણ કોલેજમાં પ્રવેશ લેતા પહેલાં, તે ફાર્મસી કોલેજને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) એ માન્યતા આપેલ છે કે કેમ તેની ફરજિયાત ચકાસણી કરી લેવી. ફાર્મસી કાઉન્સિલે મંજૂર કરેલી બેઠકો કરતાં વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તો પણ તે પ્રવેશ અમાન્ય ગણાય છે.

ફાર્મસી કાઉન્સિલ દ્વારા માન્યતા આપવામાં આવેલ ન હોય તેવી કોલેજમાં અભ્યાસ કરનાર, અથવા મંજૂર કરેલ બેઠકો કરતાં વધારે બેઠકો ઉપર પ્રવેશ મેળવનાર, અથવા સંબંધિત કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષા જે ઓથોરિટી લેતી હોય તેને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ માન્યતા નહીં આપેલ હોય, તેમજ ધોરણ-12 અમાન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોય તેવા વિદ્યાર્થીઓ ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશે નહીં.

ઉપરોક્ત સંજોગોમાં ડિપ્લોમા અથવા ડિગ્રી મેળવનાર વ્યક્તિઓને ફાર્મસિસ્ટ તરીકેનું રજિસ્ટ્રેશન કાયદાનુસાર મળવાપાત્ર નથી, તેમ કાઉન્સિલે ભારપૂર્વક જણાવ્યું છે.ગુજરાતમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય કોલેજોની યાદી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ www.pci.nic.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેની વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ ખાસ નોંધ લેવા ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની અખબારી યાદીમાં અનુરોધ કરાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement