For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિક્ષણ સાથે પર્યાવરણ મિત્ર બનવાના પાઠ ભણાવે છે આ શિક્ષિકા

11:00 AM Jun 04, 2025 IST | Bhumika
શિક્ષણ સાથે પર્યાવરણ મિત્ર બનવાના પાઠ ભણાવે છે આ શિક્ષિકા

શાળામાં ભેગા થયેલ નકામા કાગળના ડુચા પાણીમાં પલાળીને બીજા દિવસે બાળકોને તેમાંથી રમકડાં બનાવતા શીખવે છે જિજ્ઞાબેન વસાવડા

Advertisement

શાળા બાળકોના જીવન ઘડતરમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. માતાને પ્રથમ શિક્ષક ભલે ગણીએ પરંતુ અમુક શિક્ષિકાઓ માતાની જેમ જ સંસ્કાર સિંચન તેમજ સારા નાગરિક બનાવવા માટે પ્રયત્નશીલ હોય છે. આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે 22 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા જિજ્ઞાબેન હર્ષિતભાઈ વસાવડાની પર્યાવરણ સુરક્ષાની પ્રવૃત્તિ પ્રેરણાદાયી છે.

સૌપ્રથમ કાગદડી તાલુકા શાળા અને હાલ સરદાર પટેલ જીઆઇડીસી મેટોડા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જિજ્ઞાબેન વસાવડા પર્યાવરણ સુરક્ષા માટે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે પ્રયત્નશીલ છે. તેઓ વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે, વૃક્ષારોપણ કરે છે, પર્યાવરણને લઈને કવિતા લખે છે, તેમજ પર્યાવરણ માટે તેઓએ શોર્ટ મૂવી પણ બનાવી છે.પર્યાવરણ સુરક્ષા એવોર્ડ પણ મળેલ છે તેમજ આવતીકાલે પર્યાવરણ મિત્ર એવોર્ડ મળવાનો છે.

Advertisement

તેઓનું માનવું છે કે અત્યારે વૃક્ષો વાવીશું તો આવનારી પેઢી એ વૃક્ષના ફળો ખાઈ શકશે, તેનો છાંયો માણી શકશે અને બાળકો તેની છાંયામાં રમતો રમી શકશે. તેઓ પર્યાવરણ જાગૃતિ માટે કાર્યક્રમો પણ આપે છે. બાળકોમાં પર્યાવરણ જાગૃતિ લાવીને ભવિષ્ય સુરક્ષિત કરવા માટે પ્રયત્નશીલ જિજ્ઞાબેન શાળામાં ભેગા થયેલ કાગળના ડુચા સહિતનો કચરો પાણીમાં પલાળીને બીજા દિવસે બાળકોને તેમાંથી રમકડાં બનાવતા શીખવે છે. આ ઉપરાંત બાળકો શાળાએથી ઘરે જાય ત્યારે વોટર બેગમાં વધેલું પાણી વૃક્ષોને પીવડાવતા જાય તેવી ટેવ પણ તેમણે પાડી છે. પ્લાસ્ટિક પેકમાં આવતા નાસ્તા કરીને બાળકો એ પ્લાસ્ટિક ફેંકી ન દે તેની પણ તેઓ કાળજી રાખે છે. તેને સ્વચ્છ કરીને તેમાંથી ફૂલો, પંખી, સ્ટાર વગેરે જુદા-જુદા આકાર બનાવતા તેઓ શીખવે છે. પર્યાવરણ અંગે તેમની કામગીરીની બાબત તેઓ જણાવે છે કે એક સમયે શાળામાં બાળકોને કોઈ જ સમજ નહોતી.પાણીનો નળ ખુલ્લો રાખી દેતા ,બગીચામાં તોડફોડ કરતાં,ફૂલો તોડતા તેથી બાળકોને પર્યાવરણ વિશે જાગૃત કરવાનો વિચાર આવ્યો.બાળકોને પ્રેમથી સમજાવીને પર્યાવરણના મિત્ર બનતા શીખવ્યું.

અત્યારે શાળામાં બાળકોના ગ્રુપ બનાવીને જુદા જુદા દિવસે તેમની કામગીરી વહેંચી દીધી છે. અમુક બાળકો ખાતર નાખે છે,અમુકનો સફાઈ કરવાનો વારો હોય છે તો અમુક છોડને પાણી પીવડાવે છે તથા અમુકને વૃક્ષો પર ચકલીના માળા ટીંગાડવાના હોય છે. શાળામાં એક અક્ષય પાત્ર પણ મૂકવામાં આવ્યું છે જેમાં બાળકો પોતાના ઘરેથી પંખીઓ માટે મુઠ્ઠી જેટલા જુદા જુદા દાણા લઈ આવે છે અને અક્ષય પાત્રમાં નાખે છે.આજે શાળામાં બાળકો પોતે તો જાગૃત છે જ પરંતુ ઘરે જઈ પોતાના પરિવાર તેમજ ગ્રામ્યજનોને પણ પર્યાવરણ વિશે જાગૃત કરે છે.

જીજ્ઞાબેનને પરિવારમાં દીકરો-દીકરી છે જે બંને પણ પર્યાવરણ સુરક્ષા માટે ઉત્સાહિત છે. ઘરમાં પંખીઓ માટે ડીશમાં દાણા રાખે છે તેમજ પાણી ભરીને વાટકા મૂકવા, છોડને પાણી પીવડાવવું તેમજ ખાતર નાખવાની જવાબદારી ખુશીથી નિભાવે છે. તેઓ જણાવે છે કે બાળકોને જે શીખવીશું તે શીખશે. આજે માતાઓ,બહેનો પોતે પર્યાવરણ સુરક્ષા માટે જાગૃત બને અને બાળકોને પણ તેના વિશે જણાવે તે ખૂબ જરૂૂરી છે. આજકાલ પાણીની પ્લાસ્ટિક બોટલનો વપરાશ બેફામ છે ત્યારે પાણીની બોટલ વાપરીને ફેંકી દેવાના બદલે રીયુઝ કરવો જરૂૂરી છે. પ્લાસ્ટિકની બોટલને કાપીને તેમાં પ્લાન્ટેશન કરી શકાય તેમજ તેમાંથી જુદી -જુદી વસ્તુઓ પણ બનાવી શકાય છે. નાના મોટા પ્રસંગ વખતે ઘરમાં ડિસ્પોઝેબલ ડીશ, વાટકા,ગ્લાસનો ઉપયોગ કરવામાં આવે છે તે પણ બંધ થવો જરૂૂરી છે. તેના વિકલ્પ તરીકે સ્ટીલના વાસણ અથવા તો કાચના વાસણ વાપરી શકાય છે પર્યાવરણ સુરક્ષા માટે ખૂબ મોટા પાયે કામ કરવું જરૂૂરી નથી. દરેક વ્યક્તિ પોતે પોતાની આસપાસના વાતાવરણનું ધ્યાન રાખશે તો પર્યાવરણની સુરક્ષા આપણે ચોક્કસ કરી શકીશું.

Advertisement
Tags :
Advertisement
Advertisement