સેવાના શોખ થકી ખુશાલીનો વન્સમોર માણે છે આ નાટ્ય નિર્માત્રી
આપણા કાર્ય થકી કોઈને પ્રેરણા મળે કે કોઈના જીવનમાં બદલાવ આવે તેનાથી વધુ ઉત્તમ વાત કઈ હોઈ શકે?: પૂર્વી જાડાવાલા
પૂર્વી જાડાવાલાએ નિર્માણ કરેલ નાટકોએ અનેકનાજીવન બદલવા સાથે મેળવ્યા છે એવોર્ડ
‘નેવુંના દાયકામાં સાટા પદ્ધતિથી થતા લગ્ન સામે લાલબત્તી ધરતું નાટક ‘હૈયાના હસ્તાક્ષર’ રજૂ થયું .નાટક જોયા બાદ એક માતા - પિતા બેક સ્ટેજમાં આવીને અમને મળ્યા અને કહ્યું કે, તમારું આ નાટક જોઈને અમે અમારી દીકરીના સાટા પદ્ધતિથી લગ્ન કરવાનું કેન્સલ કરીએ છીએ. આ જ પ્રકારે અમારું ખૂબ જ વખણાયેલું નાટક ‘ખુશાલીનો વન્સમોર’ જોયા પછી એક યુવા દંપતીએ છૂટાછેડા લેવાનું માંડી વાળ્યું હતું અને આજે પણ તેઓ ખુશખુશાલ લગ્નજીવન માણી રહ્યા છે. સામાન્ય રીતે હાઉસફુલ શો હોય એટલે નાટક સફળ ગણાતું હોય છે, પરંતુ અમારા બધા શો હાઉસફુલ પણ હતા અને નાટક જોયા પછી કોઈનું જીવન પણ બદલનાર પણ હતા.મારા માટે નાટકની આ પ્રકારની સફળતા એ કોઈ પણ આર્થિક ફાયદા કરતા અનેક ગણી વધારે છે’. આ શબ્દો છે નાટ્ય નિર્માત્રી અને જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર અમદાવાદના પૂર્વી જાડાવાલાના.
પૂર્વીબેન મૂળ ભાવનગરના અને લગ્ન પછી અમદાવાદ શિફ્ટ થયા.લગ્ન પછી દીકરાનો જન્મ સાસુ-સસરાની જવાબદારી વચ્ચે જીવન પ્રવૃત્ત બન્યું. પતિ પ્રકાશભાઈ જાડાવાલા નાટ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હતા તેથી નાટ્ય પ્રવૃત્તિ અને એ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને મળવાનું બન્યું. સમાજમાં જાગૃતિ લાવવા છે અનેક પ્રવૃત્તિઓ થાય છે તે જ રીતે પૂર્વીબેને સેવાકીય પ્રવૃત્તિ અને લોકોને પ્રેરણા મળે તે માટે નાટકને માધ્યમ બનાવ્યું. આ બાબતે તેઓ જણાવે છે કે, ‘આપણા કાર્ય થકી કોઈને પ્રેરણા મળે કે કોઈના જીવનમાં બદલાવ આવે તેનાથી વધુ ઉત્તમ વાત કઈ હોઈ શકે? અમે જ્યારે સમાજલક્ષી નાટકો બનાવીએ છીએ ત્યારે તેના હંમેશાં પોઝિટિવ રિસ્પોન્સ અમને મળ્યા છે. મેરેજ પછી ભાવનગરથી અમદાવાદ શિફ્ટ થતાં મારા પતિનો પણ ઘણો સહયોગ મને મળ્યો. ઉપરાંત મારા પતિ પણ આ જ ક્ષેત્રમાં કામ કરતા હોવાથી તેમના અનુભવ, માર્ગદર્શન અને સંપર્કો થકી મારું કામ ઘણું સરળ થઈ જાય છે’.
ફક્ત શોખથી શરૂ કરેલ આ પ્રવૃત્તિ કોઈને પ્રેરણા આપશે અથવા તો કોઈના જીવનમાં બદલાવ લાવશે એવી ખબર નહોતી. પ્રથમ નાટક ‘હૈયાના હસ્તાક્ષર’ને સાત એવોર્ડ મળ્યા.‘ખુશાલીનો વન્સ મોર’ નાટકના 160થી વધુ શો થયા અને સાત એવોર્ડ મળ્યા.આ નાટકની પ્રશંસા નરેન્દ્ર મોદીએ પણ કરી હતી જેની સાબિતીરૂપ પત્ર પણ તેઓ પાસે છે.ફેમિલી અને પતિ પત્નીના સંબંધો પર આધારિત ‘ગમતાનો કરીએ ગુલાલ’ નાટક પણ લોકોને ખૂબ પસંદ પડ્યું. 2020 માં ‘વેલકમ ટુ હેવન’ શોર્ટ ફિલ્મ બનાવી.બ્લડ ડોનેશન પર આધારિત આ મૂવીમાં એક પણ ડાયલોગ નથી તેને પણ એવોર્ડ મળ્યો. ભાવનગરમાં સાત દિવસ સુધી નાટ્ય મહોત્સવ ઉજવાયો હતો.કોરોનાના સમયમાં મેક્સિમમ મ્યુઝિક શો કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. મહિલાઓને આત્મનિર્ભર તથા આર્થિક પગભર થવાના હેતુસર કરવામાં આવેલ કોઈપણ ચાર્જ વગર કરવામાં આવેલ એક્ઝિબિશન થકી માત્ર ઘરે બેસીને વ્યવસાય કરતી અનેક મહિલાઓને એક નવું પ્લેટફોર્મ પૂરું પાડે છે. અપંગ માનવ મંડળમાં અપંગ બાળકો માટે કાર્યક્રમ કરે છે તેમજ બ્લાઇન્ડ એસોસિએશનમાં પણ પોતાનું યોગદાન આપે છે દિવ્યાંગ લોકોના ફેશન શોનું સફળ આયોજન કર્યું હતું.
સંઘર્ષના સમય બાબતે તેઓએ જણાવ્યું કે, અમે જે પ્રવૃત્તિ કરીએ છીએ તે આર્થિક ઉપાર્જન માટે નથી,તેથી ખાસ સંઘર્ષનો સામનો કરવાનો આવ્યો નથી, પરંતુ જે લોકો સંઘર્ષ કરે છે તેને મદદ કરવાનો આનંદ મેળવ્યો છે. છેલ્લા 25 વર્ષથી પ્રવૃત્તિ કરતા કરતા જાણે સેવાકીય પ્રવૃત્તિનું વ્યસન થઈ ગયું છે.ઘણી વખત કોઈ કાર્યક્રમમાં અમારે અમારા પૈસા ઉમેરવા પડે તો ઉમેરીએ છીએ પણ કામ અટકાવવા દેતા નથી. વાર તહેવારે કે ખાસ પ્રસંગની ઉજવણીમાં તેઓએ હંમેશા જરૂરિયાતમંદ લોકોને જોડ્યા છે. પતિ પત્ની દર વર્ષે બ્લડ ડોનેશન કરે છે અને લોકોને પણ તેના માટે જાગૃત કરે છે. પૂર્વીબેન જાડાવાલા, એ મહિલાઓ માટે પ્રેરણારૂપ છે જે મહિલાઓ સરળ,સફળ અને સુખમય જીવન જીવે છે છતાં સમાજને કંઈક આપવા માટે પ્રયત્નશીલ છે. પોતે સુખી હોય એટલું જ જરૂરી નથી પરંતુ આસપાસના જરૂરિયાતમંદ લોકોની પણ ખેવના કરીને તેને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ તેનો સતત વિચાર કરે છે. નાટક હોય કે સેવાકીય પ્રવૃત્તિ પૂર્વીબેન પ્રથમ પસંદગી પરિવારને આપે છે.પરિવારની કાળજી રાખ્યા પછીના સમયમાં તેઓ નાટ્ય પ્રવૃત્તિ અને સેવા પ્રવૃત્તિ કરે છે. જીવનથી સંતુષ્ટ અને ભવિષ્યમાં કોઈ ખાસ આયોજન ન કરવામાં માનતા પૂર્વીબેન સમય સાથે વહેતા રહેવામાં માને છે. ભવિષ્યમાં પણ તેમની નાટ્ય પ્રવૃત્તિ અને સેવા કે પ્રવૃત્તિ ઉજાગર થાય તેવી તેમને શુભેચ્છાઓ.
જે કરો તે આનંદથી કરો
મારા અનુભવો અને સમજ પ્રમાણે હું એવું માનું છું કે, વર્તમાન સમયમાં સમાજ દ્વારા જ્યારે સ્ત્રી અને પુરુષ બંનેને સમાન હક્ક અને દરજ્જો આપ્યા છે ત્યારે મહિલાઓએ પોતાની મહેનત અને પ્રયત્નોમાં કોઈ કસર છોડવી જોઈએ નહિ, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો જ નથી. પણ હા પરિશ્રમને શોખમાં પરિવર્તિત કરશો તો મહેનત ક્યારેય કઠોર નહીં લાગે એટલે તમારા વ્યવસાયને શોખમાં બદલો અથવા તો તમારા શોખને વ્યવસાયમાં બદલી ખુશી ખુશી કામ કરો.કોઈ મહિલાને કૂકિંગનો શોખ હોય તો તેને પોતાના વ્યવસાયમાં આરામથી બદલી શકાય છે. આ જ પ્રકારે રસોઈ શો, ડાન્સ ક્લાસ, ફેશન ડિઝાઇનર, હેન્ડિક્રાફટ, કેક્સ બેકરી સહિત નાના નાના ગૃહ ઉદ્યોગ કે જેમાં મહિલા પોતે પારંગત હોય તે ઉદ્યોગને પોતાના વ્યવસાયમાં બદલવાથી આનંદ અને ખુશીપૂર્વક એ કામ કરી શકાય છે અને તેમાં થાક કે કંટાળો નથી આવતો.ટૂંકમાં જે કરો તે આનંદથી કરો અને સફળતા મેળવો.
Wrriten BY: Bhavna Doshi