કોંગ્રેસમાં પહેલાથી જ મેચ ફિક્સિગં, એટલે જ મેં પાર્ટી છોડી: શંકરસિંહ
ગુજરાતનાં પીઢ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમનાં નિવેદનોનાં કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર પૂર્વ મુખ્યમંત્રીએ એક એવું નિવેદન આપ્યું છે કે જેનાં પછી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં પહેલાથી મેચ ફિક્સિંગ ચાલે છે. અનેક પુરાવા બધાની સામે છે. રાહુલ ગાંધીને હમણાં ખબર પડી છે.અમદાવાદમા થોડા દિવસ પહેલા કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત રાજ્ય અને દેશભરમાંથી પાર્ટીનાં નેતાઓએ હાજરી આપી હતી અને ગુજરાત સહિત દેશભરમાં પાર્ટીની સ્થિતિ વધુ મજબૂત કરવા ચર્ચા-વિચારણા અને નવા પ્રસ્તાવ રજૂ કરાયા હતા. જો કે, આ રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લીધી હતી અને પાર્ટી વિરોધી કામગીરી કરનારા અને માત્ર હોદ્દો ભોગવતા નેતાઓને દૂર કરવાની વાત કરી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં યોજાઈ રહેલા એક ધાર્મિક કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાજરી આપી હતી. દરમિયાન, તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસમાં પહેલાથી મેચ ફિક્સિંગ ચાલે છે. અનેક પુરાવા બધાની સામે છે. રાહુલ ગાંધીને હમણાં ખબર પડી છે. મેં કોંગ્રેસ પાર્ટી એટલે જ છોડી. પાર્ટીમાં બદમાશ અને છેતરનારાને દૂર રાખવા જોઈએ.
આ સિવાય મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં અને પિતાની અલગ પાર્ટી અંગે પણ શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પોતપોતાની પાર્ટી પ્રત્યે પ્રમાણિક રહેવું જોઈએ, મેં ક્યારેય એમને ટોક્યા નથી.