ડિપાર્ટમેન્ટ બહારની વ્યક્તિ પોલીસને કહી જાય તે સહન કરવાની જરૂર નથી: DGP
પોલીસ કર્મચારી ભૂલ કરે તો કાર્યવાહીનો અધિકાર વિભાગનો છે: જીજ્ઞેશ મેવાણીનું નામ લીધા વગર સૂચક વિધાનો
ગુજરાતમાં પોલીસ અને કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વચ્ચે આમને-સામને જેવુ વાકયુધ્ધ ચાલી રહ્યું છે. મેવાણીની કાર્યશૈલી સામે પોલીસ પરિવારો મોરચા કાઢી રહ્યા છે ત્યારે રાજયના પોલીસ વડા વિકાસ સહાયે જીજ્ઞેશ મેવાણીનું નામ લીધા વગર મહત્વનું નિવેદન આપ્યું છે.
અમદાવાદમાં યોજાયેલા ડીજીપી ડેસ્ક એવોર્ડ કાર્યક્રમ દરમિયાન રાજ્યના ડીજીપી વિકાસ સહાયે પોલીસ વિભાગને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પોલીસ ડિપાર્ટમેન્ટના બહાર કોઈ વ્યક્તિ પોલીસ કર્મીને કહી જાય, તે સહન કરવાની જરૂૂર નથી.
વધુમાં તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી પોલીસ કર્મીની ભૂલ કે ખામીની વાત છે ત્યાં તેઓએ ઈશારો કરતાં જણાવ્યું કે, પોલીસ કર્મી ભૂલ કરે તો તેના પર કાર્યવાહી કરવાનો અધિકાર વિભાગનો છે, બહાર કોઈને બોલવાની જરૂૂર નથી. આ નિવેદન દરમિયાન તેમણે કોઈનું નામ લીધું નહોતું, પરંતુ ઈશારો એમએલએ જીગ્નેશ મેવાણી તરફ હોવાના સંકેત માનવામાં આવી રહ્યા છે. ડીજીપી વિકાસ સહાયની સ્પીચ સાંભળતા કાર્યક્રમમાં હાજર પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ પરિવારના સભ્યોએ તેમના નિવેદનને સમર્થન આપતાં તાળીઓ પાડી હતી.
મારા પેટનું પાણી નહીં હલે, મારો જીગરો તમને ખબર નથી: મેવાણી
ગુજરાતમાં પોલીસ પરિવારના મુદ્દે ચાલી રહેલા વિરોધ અને પોતાના વિરુદ્ધ યોજાયેલી રેલીઓ અંગે વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ આકરા શબ્દોમાં નિવેદન આપ્યું છે. તેમણે નાના પોલીસ કર્મચારીઓને કહ્યું હતું કે તેઓ કોઈના હાથો ન બને. મેવાણીએ જણાવ્યું હતું કે, અમે નાના પોલીસ કર્મચારીઓ માટે લડીએ છીએ. અમે જ પોલીસ કર્મચારીઓના પ્રશ્નોને વિધાનસભામાં અવાજ ઉઠાવીને રજૂ કરીએ છીએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમના વિરુદ્ધ રેલીઓ કરવાથી તેમનું કંઈ જ બગડવાનું નથી, મારા વિરુદ્ધ રેલી કરવાથી મારું પેટનું પાણી પણ નહીં હલે, તમને હજુ મારો જીગરો ખબર જ નથી. મેવાણીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં નાના કર્મચારીઓને ડરાવી-ધમકાવીને વિરોધ પ્રદર્શનો કરાવાય છે. તેમણે કહ્યું કે, નાના કર્મચારીઓને સસ્પેન્ડ અને ટ્રાન્સફરની ધમકી આપીને વિરોધ કરાવવામાં આવે છે.