ધોરાજી અને જસદણમાં કરિયાણાની દુકાનમાં ચોરી
રાજકોટ જીલ્લામાં છેલ્લા ઘણા દિવસથી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. આટકોટમાં એક જ રાતમાં ત્રણ મકાન અને એક મંડપ સર્વિસના ગોડાઉનને નિશાન બનાવ્યા બાદ જસદણ અને ધોરાજીમાં ચોરીનો બનાવ બન્યો હતો જેમાં જસદણ અને ધોરાજીમાં કરીયાણાની દુકાનમાં ત્રાટકેલા તસ્કરો રોકડ તેમજ દુકાન માંથી કરિયાણું ચોરી ગયા હતા.
મળતી વિગતો મુજબ ચોરીના બે અલગ અલગ બનાવોમાં જસદણમાં નોંધાયેલી ફરિયાદ મુજબ જસદણના મધુરમ મારબલ પાછળ બિલેશ્વરનગરમાં રહેતા ગોરધનભાઈ પ્રેમજીભાઈ મકવાણાની આટકોટ રોડ ઉપર આવેલી શ્રીજી કરીયાણા નામની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો જેમાં દુકાન માંથી પરચુરણ તેમજ ટીવી અને દુકાનની બહાર લગાડેલ સીસીટીવી કેમેરા તેમજ ગુટખા સહીત રૂૂ.9100ની મતા ચોરી ગયા હતા.
ચોરનો બીજો બનાવ ધોરાજી પોલીસમાં નોંધાયો છે જેમાં ઝાંઝમેર રોડ ઉપર સહકારી મંડળી પાસે આવેલ ધર્મેન્દ્રપૂરી અરવિંદ પૂરી ગોસ્વામીની ભોલે પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં બપોરના સમયે દુકાન માં ઘુસી એક શખ્સ રૂૂ.15 હજારની રોકડ ચોરી ગયા હતા.ચોરીના બનાવમાં ધોરાજી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરુ કરી તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ હાથ ધરી છે. આ બન્ને ચોરીમાં જસદણ અને ધોરાજી પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
