મેંદરડાના યુવાને સગપણ નહીં થતા એસિડ પી કર્યો આપઘાતનો પ્રયાસ
જૂનાગઢના મેંદરડામાં રહેતા યુવકે સગપણ નહીં થતા એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મેંદરડામાં રહેતા મહેન્દ્ર ભીમજીભાઈ ડાભી નામનો 21 વર્ષનો યુવાન પોતાના ગામમાં સ્વામિનારાયણ મંદિર પાસે હતો ત્યારે રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મહેન્દ્ર ડાભી છ બહેનનો એકનો એક ભાઈ છે અને તેના સગપણની વાત ચાલતી હતી પરંતુ સગપણ નહીં થતા મહેન્દ્ર ડાભીને લાગી આવતાં એસિડ પી લીધુ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કેશોદના શેરગઢ ગામે રહેતા વાલાભાઈ હીરાભાઈ સેલાવડા નામના 65 વર્ષના વૃદ્ધ આઠ દિવસ પૂર્વે શેરગઢ ગામથી અજાબ ગામ દવા લેવા જતા હતા ત્યારે વરસાદના કારણે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું રાજકોટ સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.