હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવાને સારવારમાં દમ તોડ્યો
થાનમાં બે દિવસ પૂર્વે રસ્તો ઓળંગતા યુવાનને અજાણ્યા બાઇકચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો’તો
મૂળ ઝારખંડના વતની અને હાલ થાનગઢમાં કંપનીમાં કામ કરતો યુવાન બે દિવસ પૂર્વે રસ્તો ઓળંગતો હતો ત્યારે અજાણ્યા બાઈક ચાલકે યુવાનને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાને સારવારમાં દમ તોડતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
મૂળ ઝારખંડના વતની અને હાલ થાનગઢમાં કંપનીમાં કામ કરતો પ્રકાશ ઓવદેશભાઈ રાવ નામનો 25 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે સવારના છએક વાગ્યાના અરસામાં થાનગઢમાં ચાલીને જઈ રહ્યો હતો ત્યારે રોડ ક્રોસ કરતી વખતે પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા બાઈક ચાલકે યુવકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર શોકમા ગરકાવ થઈ ગયો હતો.પ્રાથમિક પુસ્તકમાં મૃતક યુવા ત્રણ બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં બે પુત્રી છે યુવાન વહેલી સવારે દાળ લેવા જતો હતો ત્યારે રસ્તો ઓળંગતી વેળાએ જીવલેણ અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.