વર્ષો જૂનું ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ વિવાદના વંટોળમાં!
શહેરના શૈક્ષણિક ક્ષેત્રમાં અગ્રણી ગણાતા અને પ્રતિષ્ઠા તથા નામના મેળવેલા જામનગર સ્થિત ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટમાં હાલમાં ભારે વિવાદ સર્જાયો છે. છેલ્લા 43 વર્ષથી કાર્યરત આ ટ્રસ્ટમાં આંતરિક કલહ એટલી હદે વકર્યો છે કે મામલો પોલીસ ચોકી સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. ટ્રસ્ટને રાજકીય રંગરૂૂપ આપીને બટ્ટો લગાવવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
આ ટ્રસ્ટના મુખ્ય સ્થાપકોમાં સ્વ. કાંતિભાઈ લખમશીભાઈ હરિયા અને ઉદ્યોગપતિ રમણીકભાઈ શાહનો સમાવેશ થાય છે. હાલમાં ચેરિટી કમિશનરના 28 પાનાના જજમેન્ટના આધારે સ્વ. કાંતિભાઈના ભાઈ જયંતીભાઈ હરિયા ટ્રસ્ટના ચેરમેન તરીકે ફરજ બજાવે છે. આ સમગ્ર વિવાદ અંગે સ્વ. કાંતિભાઈના ભાઈ જયંતીભાઈ હરિયાની પુત્રી જિજ્ઞાબેન હરિયાએ મીડિયા સમક્ષ આવીને ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
જિજ્ઞાબેને જણાવ્યું હતું કે, તેમના દાદાજી સ્વ. લખમશીભાઈ હરિયાએ લગભગ 50 વર્ષ પહેલા કડી મહેનતથી સંપત્તિ ઊભી કરી હતી. તેઓ આ પૈસા તેમના બન્ને પુત્રો જયંતીભાઈ અને કાંતિભાઈને આપવા માગતા હતા, પરંતુ પુત્રોએ સક્ષમ હોવાનું કહી આ રકમ સારા કાર્યમાં વાપરવા સૂચવ્યું હતું. એ સમયે જામનગરમાં ઇંગ્લિશ મીડીયમ સ્કૂલોનો અભાવ હોવાથી દાદાજીએ શિક્ષણ હેતુ માટે વિચાર્યું અને કાંતિભાઈ તથા રમણીકભાઈને જીઆઈડીસી ખાતે જગ્યા આપવામાં આવી, જ્યાંથી શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂૂ થઈ.
જિજ્ઞાબેનનો મુખ્ય આક્ષેપ મેનેજિંગ ટ્રસ્ટી રમણીકભાઈ શાહ પર છે. તેમણે જણાવ્યું કે રમણીકભાઈ ટ્રસ્ટને પોતાની પેઢી સમજીને ચલાવી રહ્યા છે અને ટ્રસ્ટમાં જયંતીભાઈ હરિયા લીગલ ચેરમેન હોવા છતાં તેમને કોઈ પણ કાર્યભારમાં, જેમાં બેંક સાઈન સહિતનો સમાવેશ થાય છે, ચાલવા દેવામાં આવતા નથી. જિજ્ઞાબેનના મતે, જે તે સમયે રમણીકભાઈને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ આજે તેઓ માલિક બનીને બેઠા છે જ્યારે તેઓ નોકરની જેમ કામ કરતા હતા.
અન્ય ગંભીર આક્ષેપોમાં જિજ્ઞાબેને જણાવ્યું કે ચેરિટી કમિશનરનું 28 પાનાનું ચેરમેનપદ અંગેનું જજમેન્ટ રમણીકભાઈ દ્વારા છુપાવી દેવામાં આવ્યું હતું. ઓશવાળ યુથ મેગેઝીનમાં પણ ટ્રસ્ટ અંગે ખોટી રીતે પબ્લિસિટી કરવામાં આવી. તાજેતરમાં હરિયા કોલેજ ખાતે એમબીએ અને એમસીએના વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમમાં પણ વિવાદ સર્જાયો હતો, જ્યાં રમણીકભાઈ પોતાની મરજી મુજબના વ્યક્તિઓને ટ્રસ્ટના હોદ્દેદારો તરીકે સંબોધી રહ્યા હતા અને એવોર્ડ આપી રહ્યા હતા, જેમાં કેટલાક વ્યક્તિઓ ટ્રસ્ટમાં હતા જ નહીં. આ બાબતે જિજ્ઞાબેને ત્યાં વિરોધ નોંધાવ્યો હતો.
જિજ્ઞાબેને વધુમાં આક્ષેપ કર્યો કે રમણીકભાઈ અન્ય ટ્રસ્ટો ઊભા કરીને તેમાં સંસ્થાની મિલકતો ટ્રાન્સફર કરવાનું કાર્ય કરી રહ્યા છે. જીનેશ શાહ નામના વ્યક્તિ ટ્રસ્ટમાં ન હોવા છતાં તેમને ટ્રસ્ટી તરીકે શા માટે સંબોધવામાં આવે છે, તેવો પ્રશ્ન ઉઠાવી તેમણે જણાવ્યું કે આ કૃત્યોથી ટ્રસ્ટનું નામ ખરાબ થઈ રહ્યું છે. આ સમગ્ર પરિસ્થિતિને કારણે તેમના પિતા જયંતીભાઈ હરિયાની યુરોપ ટ્રીપ પણ રદ્દ કરવી પડી. છેલ્લા બે મહિનાથી તેઓ મુંબઈથી જામનગર આવીને આ બાબતે સંસ્થાનું નામ ખરાબ થતું અટકાવવા પ્રયાસ કરી રહ્યા છે અને તેને પોતાની ફરજ માને છે. આંતરિક વિવાદને કારણે મામલો પોલીસ સુધી પહોંચ્યો છે, જે સંસ્થાની સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.