‘પ્રીત જનમો જનમની ભૂલાશે નહી’ ફિલ્મમાંથી રાજપૂત શબ્દ હટાવાયો
અમદાવાદ વર્ષ 2009માં રિલીઝ થયેલી અને રાજપૂત સમાજને ટાર્ગેટ કરવાના આરોપોને કારણે વિવાદમાં આવેલી ફિલ્મ ’પ્રીત જનમો જનમ ની ભુલાશે નહિ’ ફરીથી રિલીઝ થવાના મામલે ચાલી રહેલા વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશના કટ્ટર ગિરાસદાર ગ્રુપના સભ્યોની સક્રિય દરમિયાનગીરી બાદ ફિલ્મ નિર્માતાએ લેખિત બાંહેધરી આપી છે કે ફિલ્મમાં હવે ’રાજપૂત’ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે નહીં.
2009માં જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ હતી, ત્યારે તેમાં હિરોઈનનું પાત્ર રાજપૂત સમાજની દીકરીનું બતાવવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો દ્વારા આ ફિલ્મમાં રાજપૂત સમાજની લાગણીઓ દુભાવવામાં આવી હોવાના અને સમાજને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા હતા, જેના કારણે મોટો વિવાદ ઊભો થયો હતો.
કરણી સેનાની સક્રિયતા અને નિર્માતા સાથે મુલાકાત કરીને ફિલ્મ ફરીથી રિલીઝ થવા જઈ રહી હોવાની માહિતી મળતા જ શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશના સેજપાલસિંહ ઝાલા (ટોકરાળા)ના કટ્ટર ગિરાસદાર ગ્રુપ દ્વારા આ મામલે તુરંત પગલાં લેવામાં આવ્યા હતા. ગ્રુપના સભ્ય યશપાલસિંહ પુવારએ ફિલ્મ નિર્માતા હરેશભાઈ પટેલની રૂૂબરૂૂ મુલાકાત લીધી હતી અને રાજપૂત સમાજની લાગણીઓથી તેમને વાકેફ કર્યા હતા.
આ મુલાકાત અને મંત્રણાઓના અંતે, ફિલ્મ નિર્માતા હરેશભાઈ પટેલે સમાજની લાગણીઓનું સન્માન કરતાં લેખિતમાં બાંહેધરી આપી છે કે ફિલ્મમાં હવે કોઈપણ જગ્યાએ ’રાજપૂત’ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે નહીં અને જે વિવાદનું કારણ હતું તેવા તમામ મુદ્દાઓ દૂર કરવામાં આવશે. આ સમગ્ર વિવાદનો સુખદ અંત લાવવામાં શ્રી રાજપૂત કરણી સેનાના અગ્રણીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં સેજપાલસિંહ ઝાલા (ટોકરાળા), જશપાલસિંહ પુવાર, બ્રિજરાજસિંહ ઝાલા (મોરબી), જયદીપસિંહ ઝાલા (જામનગર) અને રવિરાજસિંહ ગોહિલ સહિતના તમામ ભાઈઓએ આ મેટરમાં સક્રિય રસ લઈ, સમયસર યોગ્ય દરમિયાનગીરી કરીને સમાજના હિતમાં આ વિવાદનો ઉકેલ લાવ્યો હતો.