વિદ્યાર્થિનીઓની છેડતી કરતા શિક્ષકને ગામલોકોએ લમધાર્યો
જૂનાગઢની પલાસવા શાળામાં બનેલી ઘટના
છાત્રોને પાઈપ-ચપ્પલથી માર મારતો હોવાના આક્ષેપ : શિક્ષકની બદલી નહીં થાય તો શાળાને તાળા બંધી મારવા વાલીઓની ચીમકી
આમ તો શિક્ષકને જીવનઘડતરના ગુરુ માનવામાં આવે છે. શિક્ષક એ માત્ર પુસ્તકનું જ્ઞાન નહીં, પરંતુ જીવનમાં યોગ્ય ઘડતરના પાઠ પણ ભણાવે છે, પરંતુ પલાસવા ગામના શિક્ષક પાઠ ભણાવવાને બદલે સ્કૂલમાં વિદ્યાર્થીઓને પાઇપ-ચપ્પલથી માર મારતા તેમ જ વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કરી તમામ પ્રકારની હદો વટાવી દીધી હતી, એવા વાલીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. એને લઇ વાલીઓએ લંપટ શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો, સાથે જ શિક્ષકની બદલી ના થાય ત્યાં સુધી સ્કૂલ બંધ રહેશે એવી ચીમકી આપી હતી. જોકે ઘટનાને પગલે શિક્ષણતંત્ર દોડી આવ્યું હતું, વાલીઓને સમજાવ્યા અને યોગ્ય પગલાં ભરવાની ખાતરી આપતાં સ્કૂલ ફરી શરૂૂ કરી દેવાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર,જૂનાગઢના પલાસવા પ્રાથમિક સ્કૂલના ગોવિંદ નામના શિક્ષકે ક્લાસમાં વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કર્યાંના અને વિદ્યાર્થીઓને ઢોર માર્યાના વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ લંપટ શિક્ષકને સ્કૂલના પટાનગરમાં જ લમધાર્યો હતો. આ સમગ્ર મામલો જૂનાગઢ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે પહોંચતાં તેઓ પલાસવા ગામે દોડી આવ્યાં હતા, જ્યાં વાલીઓ અને ગામના અગ્રણીઓ સાથે વાત કરી શિક્ષક મામલે યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.
વાલીઓના એ પણ આક્ષેપ છે કે પલાસવા પ્રાથમિક સ્કૂલના શિક્ષક વ્યસન દૂર કરવાના બદલે ક્લાસમાં જ માવા-મસાલા ખાય છે. ક્લાસમાં વિદ્યાર્થિનીઓને શરીરે ટચ કરી અડપલાં કરે છે. તો વિદ્યાર્થીઓને ચપ્પલથી માર મારવામાં આવે છે. આ મામલે વિદ્યાર્થીઓના વાલી ગામના સરપંચના ઘરે રજૂઆત કરવા ગયા બાદ સ્કૂલને તાળાબંધી કરવામાં આવી હતી.
પલાસવા ગામના સ્કૂલ મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષ મોસાલિયા શીતલબેને જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીઓનો સૌપ્રથમ પ્રશ્નો મારી પાસે જ આવ્યો હતો અને ત્યાર બાદ મેં ક્લાસમાં પ્રાથમિક સ્કૂલના પ્રિન્સિપાલને આ બાબતે રજૂઆત કરી હતી. ત્યારે હાલમાં આ લંપટ શિક્ષકે હદ વટાવી છે.
આ સ્કૂલમાં છથી આઠ ધોરણ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીંના એક શિક્ષક દીકરા-દીકરીઓને મન ફાવે એવી રીતે મારે છે. પહેલાં માત્ર થપ્પડ મારતા હતા, પરંતુ હવે પાઇપ અને બૂટ-ચપ્પલથી વિદ્યાર્થીઓને માર મારે છે. ઘણી વખત આ શિક્ષક છોકરાઓને ગળેટૂંપો આપે છે. ત્યારે ભણાવવા કરતાં આ શિક્ષક વિદ્યાર્થીઓને ખૂબ ટોર્ચર કરે છે. આ શિક્ષકથી વિદ્યાર્થીઓ ખૂબ ડરી ગયા છે અને સ્કૂલે જવાની પણ ના પાડે છે. ત્યારે આ શિક્ષક વિદ્યાર્થિઓને પાસે બોલાવી શરીરે અડપલાં પણ કરે છે.
અગાઉ લેખિત કે મૌખિક ફરિયાદ આવી નથી: શિક્ષણ અધિકારી
ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયશ્રીબેન ભીંભાએ જણાવ્યું હતું કે આજે સવારે ક્લાસમાં સ્કૂલના પ્રિન્સિપાલનો ફોન આવ્યા બાદ હું અને કેળવણી નિરીક્ષક અહીં પહોંચ્યા હતા. વાલીઓ અને ગામલોકો દ્વારા આ સ્કૂલના શિક્ષક મામલે ફરિયાદો છે, પરંતુ અગાઉ આ મામલે લેખિત કે મૌખિક કોઈપણ ફરિયાદ અહીંથી કરવામાં આવી નથી. આજે માત્ર સવારે ફોન દ્વારા અમને આ મામલે જાણ કરવામાં આવી હતી. ત્યારે બાળકોનાં ભવિષ્ય સાથે કોઈ ચેડાં ન થાય એ કારણે આજે શિક્ષણ વિભાગની ટીમ આવી છે. વાલીઓના તમામ પ્રશ્નોને સાંભળવામાં આવશે અને તેમનાં નિવેદન લઈ ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરી રજૂઆત પણ કરવામાં આવશે. હાલ વાલીઓએ પૂરો સાથસહકાર આપી શિક્ષણકાર્ય શરૂૂ કરાવ્યું છે.