ખંભાળિયા ખામનાથ બ્રિજ નજીક બનાવાયેલા કામચલાઉ ડાયવર્ઝન પર ટ્રક ફસાયો
ખંભાળિયા શહેરમાં પોરબંદર માર્ગ તરફથી પ્રવેશવાના રસ્તે આવેલા ખામનાથ બ્રિજને બંધ કરી દેવામાં આવતા તાજેતરમાં અહીં કામચલાઉ ડાયવર્ઝન તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં એક ટ્રક ખૂંપી જતા થોડો સમય દોડધામ મચી જવા પામી હતી.
ખંભાળિયામાં ખામનાથ મહાદેવ મંદિર નજીક આવેલા વર્ષો જુના અને જર્જરીત એવા કેનેડી બ્રિજ (ખામનાથ પુલ)ને તંત્ર દ્વારા અવરજવર અને ઉપયોગ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. લાંબા સમયથી બંધ રહેલા આ બ્રિજના કારણે આ વિસ્તારના રહીશો, દુકાનદારો વિગેરેને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી અહીં નદી વિસ્તારમાંથી કામચલાઉ ધોરણે માર્ગ બનાવીને ડાયવર્ઝન તૈયાર કરવાની તંત્ર સમક્ષ સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને તંત્ર દ્વારા અહીં પથ્થર, રેતી વિગેરે નાખીને કામ ચલાઉ રીતે કાચા રસ્તાનું ડાયવર્ઝન બનાવવામાં બનાવ્યું હતું. જેને બે દિવસથી જ કાર્યરત કરાયું હતું.
અત્યારે ગુરુવારે આ કાચા રસ્તા પરથી પસાર થતો એક ટ્રક બરોબર વચ્ચે જ ખૂંપી ગયો હતો. આ ટ્રકના તોતિંગ વ્હીલ રસ્તા વચ્ચે જ બરોબર ફસાવી જતા અહીંની થતી હળવી અવર-જવર પણ અટકી જવા પામી હતી. લાંબી જહેમત બાદ ટ્રક અહીંથી નીકળતા તંત્ર દ્વારા રસ્તો દૂરસ્ત કરવા સહિતની તજવીજ કરવામાં આવી હતી. ત્યારે આ ડાયવર્ઝનની ગુણવત્તા સામે પણ સોશિયલ મીડિયામાં સવાલો ઉઠવા પામ્યા હતા.