રાજકોટના વેપારીને 10,000 નકલી ડોલર ધાબડી દેનાર ત્રિપુટી ઝડપાઈ
જસદણ પાસે મળવા બોલાવી નકલી ડોલર ધાબડી રૂા. 1.41 લાખ લઈ લીધા: ગ્રામ્ય એસઓજીએ ભાવનગરના વેપારી સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા, નકલી ડોલરની 96 નોટ કબજે
જસદણ પંથકમાં નકલી અમેરિકન ડોલર વટાવવા આવેલા 3 શખ્સોને ગ્રામ્ય એસઓજીએ ઝડપી લઈ અમેરિકાની 100 ડોલરની 94 જેટલી નકલી ડોલરની નોટ તથા ભારતીય ચલણની 500ના દરની 282 નોટ મળી રૂા. 1.41 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રાજકોટના એક વેપારીને સસ્તામાં 10000 ડોલર આપવાની લાલચે તેને શિકાર બનાવી ઉપર અને નીચે ઝેરોક્ષ વાળા ડોલરની નોટ મુકી આ વેપારી પાસેથી રૂા. 1.41 લાખ લઈ લીધા હતા. અને હજુ બીજા કોઈ વેપારીને શીશામાં ઉતારે તે પૂર્વે જ ભાવનગરના વેપારી સહિત ત્રિપુટીને રાજકોટ ગ્રામ્ય એસઓજીએ 96 જેટલી નકલી ડોલર અને રૂા. 1.41 લાખના ભારતીય ચલણની અસલી નોટ સાથે ઝડપી લીધા હતાં. આ ત્રિપુટી નકલી ડોલર મુંબઈથી લાવ્યાનું કનેક્શન ખુલ્યું છે.
મળતી વિગતો મુજબ જસદણના કમળાપુર રોડ પર આવેલ એક હોટલ નજીક ત્રણ શખ્સો વિદેશી ચલણ વેચવા આવ્યા હોવાની માહિતીના આધારે ગ્રામ્ય એસઓજીના પીઆઈ એફએ પારઘી સાથે પીએસઆઈ ભાુનુભાઈ મિયાત્રા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. જ્યાંથી ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં. આ ત્રિપુટી પાસેથી ફેડરલ રિઝર્વ નોટ ધ યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાની 100 ડોલરની 94 નોટ અને એક ડોલરની 2 નોટ તેમજ ભારતીય ચલણની 500ના દરની 1.41 લાખના કિંમતની 282 નોટ મળી આવી હતી. એસઓજીએ જસદણના કમળાપુર ગામના મદાવા રોડ ઉપર પાવર હાઉસ પાસે રહેતા ભાવેશ કુરજીભાઈ ઉબરેજિયા ઉ.વ.36 અને તેનાભાઈ ચંદુ કુરજીભાઈ ઉબરેજિયા સાથે ભાવનગરના ઉમરાળાના કુંભાર શેરીમાં રહેતા વેપારી અજય હિંમતભાઈ ચુડાસમાની ધરપકડ કરી હતી. આ ત્રણેય શખ્સો પાસેથી મળેલ વિદેશી ચલણ નકલી હોવાનું સામે આવ્યું હતું.
પુછપરછમાં જાણવા મળ્યું કે, આ ત્રણેય શખ્સો સસ્તામાં અમેરિકન ડોલર વેચવા આવ્યા હતાં. પુછપરછમાં જાણવા મળ્યું કે, રાજકોટના એક વેપારી રાજુભાઈ જરિયાને આ ત્રિપુટીએ શીશામાં ઉતારી તેની સાથે છેતરપીંડી કરી હતી. રાજુભાઈને સસ્તામાં 1000 અમેરિકન ડોલરની લાલચ આપી જસદણ બોલાવ્યા હતાં અને ઉપર અને નીચે એમ થપ્પીમાં ઝેરોક્ષ વાળા અમેરિકન ડોલર રાખી અને થપ્પીની વચ્ચે કાગળો રાખી રાજુભાઈને 10000 ડોલર રૂા. 1.41 લાખમાં આપી દીધા હતાં. અને હજુ બીજા શિકારની શોધમાં હતા તે પૂર્વે જ એસઓજીએ ઝડપી લઈ રૂા. 2 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ તથા ડીઆઈજી જયપાલસિંહ રાઠૌરની સુચનાથી એસઓજીના પીઆઈ એફએ પારઘી સાથે પીએસઆઈ ભાનુભાઈ મિયાત્રા, એએસઆઈ અતુલભાઈ ડાભી, સંજયભાઈ નિરંજની, અમિતભાઈ કનેરિયા, વિજયભાઈ વેગડ, અરવિંદભાઈ દાફડા, શિવરાજભાઈ ખાચર, વિજયગીરી ગૌસ્વામી, ચીરાગભાઈ કોઠીવાર, રઘુભાઈ ઘેડ, અને નરસીભાઈએકામગીરી કરી હતી.
છેતરપિંડીનો ભોગ બનેલા વેપારી અસલી પોલીસને પણ નકલી સમજી બેઠો
સસ્તામાં અમેરિકન ડોલરની લાલચે આ ત્રિપુટીનો ભોગ બનેલા રાજકોટના વેપારી રાજુભાઈ જરિયાનો ગ્રામ્ય એસઓજીના પીઆઈ એફએ પારઘીએ સંપર્ક કર્યો ત્યારે છ ેતરપીંડીનો ભોગ બનેલા વેપારી રાજુભાઈએ હજુ પણ પોતાની સાથે ચીટીંગ થતું હોવાનું સમજી એસઓજીના પીઆઈને ફોન ઉપર નકલી પોલીસ સમજીને તેની સાથે યોગ્ય જવાબ આપ્યો ન હતો. પોતે એસઓજીના પીઆઈ હોવાની ઓળખ આપી હતી. ત્યારે મુળ પંચમહાલ પંથકના વતની પીઆઈ પારઘીની વાતચીતની શૈલી થોડી અલગ લાગતા આ વેપારીએ પોલીસ સ્ટેશને આવવાની પણ ના પાડી દીધી હતી. હાલ તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. અને આ ચીટર ટોળકીનો ભેટો કઈ રીતે થયો તે સહિતની બાબતો ઉપર ગ્રામ્ય એસઓજીએ તપાસ કેન્દ્રીત કરી છે.