ગીરસોમનાથના તત્કાલીન કલેકટર સામે રૂા.4.75 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ
ગીર સોમનાથ ડિસ્ટ્રીક મીનરલ ફંડમાંથી ખરીદી કરીને તત્કાલીન જીલ્લા કલેકટરએ રૂૂ.4.75 કરોડનો પારદર્શક ભ્રષ્ટાચાર કર્યો હોવાનો સનસનીખેજ આક્ષેપો કરતા ચકચાર પ્રસરી છે. આ ભ્રષ્ટાચારની તપાસ એન્ટી કરપશન બ્યુરો પાસે કરાવી દોષીતોને કડક સજા કરાવવા માંગ કરી છે.
ગીર સોમનાથ કોંગ્રેસ પ્રમુખ પૂંજાભાઈ વંશ, જયકરભાઈ ચોટાઈ, અમુભાઈ સોલંકી, કરશનભાઇ બારડ, મનસુખભાઈ ગોહેલ સહિતનાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પૂંજાભાઈ વંશે જણાવેલ કે, ગીર સોમનાથની પ્રજાના કલ્યાણ અને વિકાસ કામો માટે સરકાર તરફથી ડિસ્ટ્રીકટ મીનરલ ફંડ આપવામાં આવે છે. આ ફંડમાં આવેલ કરોડોની રકમમાંથી જીલ્લાના છ તાલુકાઓની શાળાઓ, આંગણવાડીઓમાં આપવા માટે ડીએમએફ ફંડમાંથી સફાઈ કીટ, સોલર કીટ, ફર્નીચર, કોમ્પ્યુટર સેટ, લેબોરેટરીના સાધનો, નકશાઓ સહિતની વસ્તુઓની રૂૂ.9.27 કરોડની ખરીદી કરી હતી. આ તમામ ખરીદીમાં તમામ વસ્તુઓનાના બજાર ભાવ કરતા બમણાં ભાવે ખરીદ કરવામાં આવી છે. તેમાં પણ નોન બ્રાન્ડેડ વસ્તુઓની ખરીદી કરી બ્રાન્ડેડ કરતાં બમણા ભાવ ચૂકવ્યા છે.
આ તમામ ખરીદીની માહિતી અમોએ આરટીઆઈ એક્ટ હેઠળ માંગી તેમાં મળેલ વિગતોની વિસ્તૃત તપાસ કર્યા બાદ જાણવા મળી છે. અમારી તપાસ મુજબ ડીએમએફ ફંડમાંથી રૂૂ.9.27 કરોડની રકમની ખરીદી કરી રૂૂ.4.75 કરોડનો (55 % ટકા) નો પારદર્શક ભ્રષ્ટાચાર તત્કાલીન જીલ્લા કલેકટર એ કર્યો છે. ત્યારે આ સમગ્ર કૌભાંડની અઈઇ મારફતે તપાસ કરાવી વહીવટી તંત્રના જે કોઈ દોષિત જણાય તેની સામે કડક કાર્યવાહી કરવા માંગ છે. આ ભ્રષ્ટાચાર મામલે મુખ્યમંત્રી સુધી ફરીયાદ કરી છે.