રાજકોટ મનપાના તત્કાલિન CFOએ મહિલા કોન્સ્ટેબલની છેડતી કરી હત્યાનો પ્રયાસ કર્યો
ધોળે દિવસે પીછો કરી કારથી આંતરી વાળ ખેંચી ગળુ દબાવી એસીડ એટેકની ધમકી આપી
ભુજ અને ત્યારબાદ રાજકોટમાં મનપાના ચીફ ફાયર ઓફિસરની ફરજ દરમિયાન લાંચ લેવાના કેસમાં પકડાયેલો આરોપી અનીલ મારૂૂ ફરી ગંભીર ગુનામાં સપડાયો છે.
તાલુકાના ભુજોડી બસ સ્ટેન્ડ નજીક સર્વિસ રોડ પર ભર બપોરે એક મહિલા હેડ કોન્સ્ટેબલની છેડતી કરી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો. લાંચીયા અધિકારીએ પોતાની સાથે સબંધ રાખવાનું કહી કારથી આંતરી લીધા બાદ ગળુ દબાવી એસીડ એટેક કરી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોધાઇ છે.
માધાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી મહિલા હેડ કોન્સ્ટેબલે કુકમાના આરોપી અનીલ બેચરલાલ મારૂૂ વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ શુક્રવારે બપોરે બે વાગ્યાના અરસામાં ભુજોડી બસ સ્ટેન્ડ નજીક સર્વિસ રોડ પર બન્યો હતો. આરોપી ફરિયાદી મહિલા સાથે સબંધ રાખવા માંગતો હતો પરંતુ ફરિયાદીને તેની સાથે સબંધ રાખવો ન હતો.
જે વાતનું મનદુ:ખ રાખી આરોપીએ જાનથી મારી નાખવાના ઈરાદે પોતાની ક્રેટા કાર નંબર જીજે 12 એફઈ 5353 વાડી ફરિયાદીની કાર આગળ મૂકી આંતરી લીધા હતા. જે બાદ આરોપીએ ફરિયાદીની કારનો કાચ હાથથી તોડી નાખ્યો હતો અને વાળ ખેચી ગળુ દબાવ્યું હતું. એ દરમિયાન મહિલા હેડ કોન્સ્ટેબલ પોતાની કાર લઈને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારે આરોપીએ પોતાની કારથી તેનો પીછો કર્યો હતો અને પાછળથી ટક્કર મારી હતી. જે બાદ મહિલા હેડ કોન્સ્ટેબલને આરોપીએ હાથ પકડી કારમાંથી નીચે ઉતારી શરીરના ભાગે સ્પર્શ કરી છેડતી કરી હતી.ત્યારબાદ આરોપીએ એસીડ નાખી મહિલા હેડ કોન્સ્ટેબલને મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે માધાપર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેડતી અને હત્યાના પ્રયાસની ઘટનામાં આરોપી અનિલ બેચરલાલ મારુ સામે ગુનો નોંધવામાં આવતા પોલીસે આરોપીના ઘરે દરોડા પાડ્યા હતાં પરંતુ આરોપી ત્યાં મળી આવ્યો ન હતો.
અનિલ મારૂ એક વર્ષ પહેલા રાજકોટમાં 1.80 લાખની લાંચ લેતા પકડાયો હતો
ગત તારીખ 12 ઓગષ્ટ 2024 ના રાજકોટમાં 1.80 લાખની લાંચ લેતા આ આરોપી ફાયર ઓફિસર અનીલ મારૂૂ પકડાયો હતો.ત્યારબાદ આ આરોપીની ભુજમાં ભરતી પણ ગેરકાયદેસર હોવાનું ઓડીટ વિભાગે કહ્યું હતું.આ વિવાદાસ્પદ ભરતીની તપાસ પણ હજુ ચાલુમાં છે.તો રાજકોટમાં લાંચના છટકામાં પકડાયા બાદ ત્યાંથી તેને સસ્પેન્ડ કરી મુળ ફરજના સ્થળ ભુજ ખાતે મોકલી દેવાયો હતો.અને હવે મહિલા હેડ કોન્સ્ટેબલની છેડતી કરી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે.