રખડતા શ્ર્વાનનો આતંક: માસુમ બાળકીનો ભોગ લીધો
શાપર-વેરાવળમાં દાદાને ઘરે પાંચ દિવસ પહેલા જ આંટો મારવા આવેલી બાળકીને ગળામાં બચકુ ભરી લેતાં કરૂણ મોત
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતાં શ્ર્વાનોનો આતંક વધી રહ્યો છે. અવારનવાર માસુમ બાળકો ઉપર હુમલા કરી બચકા ભરી લેતાં બાળકોને મોત નિપજવાના બનાવ સામે આવતા રહે છે ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. રાજકોટની ભાગોળે ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળમાં ઘર પાસે રમતી શ્રમિક પરિવારની માસુમ બાળકી ઉપર રખડતાં શ્ર્વાને હુમલો કરી ગળાના ભાગે બચકુ ભરી લેતાં તેનું કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવથી પરપ્રાંતિય પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, શાપર-વેરાવળમાં ભુમિ ગેઈટમાં આવેલી ગોલ્ડન સ્ટાર કંપનીમાં રહેતાં શ્રમિક પરિવારની પાંચ વર્ષની બાળકી વિરલ અંબુભાઈ વિણામા આજે સવારે આઠ વાગ્યાના અરસામાં ઘર પાસે રમી રહી હતી ત્યારે રખડતાં શ્ર્વાને આવી બાળકી ઉપર હુમલો કરી ગળાના ભાગે બચકુ ભરી લીધું હતું.
જેથી બાળકી રાડા રાડ કરવા લાગતાં પરિવારજનો દોડી આવ્યા હતાં. ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે પ્રથમ શાપર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ગળાના ભાગે ગંભીર ઈજા હોવાથી સારવાર કારગત ન નિવડતાં તેનું હોસ્પિટલના બીછાને મોત નિપજ્યું હતું.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી શાપર-વેરાવળ પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક બાળકી બે બહેનમાં મોટી અને તેના પિતા ખેતી કામ કરે છે. બાળકી તેના માતા-પિતા સાથે તેના વતન મધ્યપ્રદેશમાં રહેતી હોય અને તેના દાદા મુકેશભાઈ શાપર-વેરાવળમાં રહી કારખાનામાં મજુરી કામ કરે છે.
બાળકીના દાદા મુકેશભાઈ મધ્યપ્રદેશ વતનમાં ગયા હતાં અને ચાર દિવસ પહેલા જ શાપર પરત આવતાં બાળકી તેના દાદા સાથે અહિં આટો મારવા માટે આવી હતી. દરમિયાન આજે સવારે ઘર પાસે રમતી હતી ત્યારે રખડતાં શ્ર્વાને બચકુ ભરી લેતાં બાળકીનો ભોગ લેવાયો હતો. આ બનાવથી પરપ્રાંતિય શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.