પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 10 હજાર કરારી જ્ઞાન સહાયકની મુદતમાં વધારો કરાશે
રાજ્યની સરકારી પ્રાથમિક શાળા નિયુક્ત અંદાજે 10 હજાર જ્ઞાન સહાયકના કરારની મુદત 6 માસ માટે લંબાવવાનો નિર્ણય કરાયો છે. હાલમાં ધો.1થી 5 અને 6થી 8માં શિક્ષક ભરતી પ્રક્રિયા ચાલુ છે ત્યારે આગામી દિવસોમાં ભરતી બાદ ખાલી પડનારી જગ્યાઓ પર પુન:નિયુકિતની કાર્યવાહી માટે પણ સૂચના આપવામાં આવી છે. ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં 3614 શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતર્ગત શાળા પસંદગીની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે, જે 13મી જુલાઇ સુધી ચાલવાની છે.
જે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તેવી સ્કૂલોમાં 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની નિમણૂક કરવામાં આવી હતી. હાલમાં જુદી જુદી સ્કૂલોમાં 10 હજાર જ્ઞાન સહાયકો કાર્યરત છે. મહત્ત્વની વાત એ છે કે, તેમની 11 માસની મુદત પૂરી થઇ ચૂકી છે, પરંતુ સ્કૂલોમાં હજુ શિક્ષકોની ઘટ હોવાથી નવા શિક્ષકો આવે નહીં ત્યાં સુધી આગામી 6 માસ માટે જ્ઞાન સહાયકની મુદત લંબાવવાની મંજૂરી શિક્ષણ વિભાગે આપી છે. આ ઉપરાંત હાલમાં ધો.1થી 5 અને ધો.6થી 8માં શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, તે પૈકી ભરતી કાર્યવાહી પૂરી થયા બાદ ખાલી પડનારી જગ્યાઓ પર જ્ઞાન સહાયકની નિયુક્તિ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત સેમેસ્ટર 5 અને 6માં મેજર અને માઇનર વિષયોની પસંદગી માટે હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. યુનિવર્સિટી દ્વારા આ અંગે સત્તાવાર કોઇ પરિપત્ર જ જાહેર ન કર્યો હોવાથી મોટાભાગની કોલેજોમાં માઇનર વિષય શરૂૂ થઇ શક્યો નથી. અધ્યાપક મંડળ દ્વારા તાજેતરમાં આ અંગે બેઠક કરીને નવી શિક્ષણનીતિ 2020ના અમલ માટે તાકીદે વ્યવસ્થા કરવાની સાથે સાથે મેજર-માઇનર વિષયોની પસંદગી અંગે પણ સ્પષ્ટતા કરવા કુલપતિને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.