સૌરાષ્ટ્રના દેવ મંદિરો રોશનીથી ઝળહળ્યા: ભકતોનું ઘોડાપુર ઉમટ્યું
સોમનાથ, દ્વારકા, ચોટીલા, માતાના મઢ સહિતના દેવસ્થાનોએ ભકતોનો ભારે ધસારો
દિવાળીના પર્વની સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે. ત્યારે વિવિધ દેવ મંદિરોમાં પર્વ નિમિતે વિશેષ રોશની કરવામાં આવી છે અને દેવમંદિરોમાં ભકતોની ભીડ ઉમટી પડી હતી. જયારે દિવાળી વેકેશનના લાભ લેવા ગુજરાતી પરિવારો ફરવા માટે નીકળી પડતા યાત્રાધામો અને પ્રવાસન સ્થળો હાઉસફૂલ થયા હતા, રાજસ્થાન, ગોવા, મહાબળેશ્ર્વર, સાપુતારા સહિતના પ્રવાસન સ્થળોની હોટલો ગુજરાતીઓથી ઉભરાઇ ગઇ હતી.
પ્રકાશના પર્વ દિવાળીની સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં હર્ષ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. સૌરાષ્ટ્રમાં આવેલા વિવિધ દેવ મંદિરોમાં દિવાળી નિમિત્તે વિશેષ રોશની કરવામાં આવી હતી. જેના કારણે મંદિરો દીપી ઉઠ્યા હતા. દરમિયાન દિવાળીના પરવે ભગવાનના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યા ઉમટ્યા હતા.સૌરાષ્ટ્રમાં વેરાવળમાં સાગર કાંઠે આવેલા સોમનાથ મહાદેવના મંદિર ઉપરાંત પ્રભાસ પાટણમાં આવેલા શ્રી રામ મંદિર, ભાલકા તીર્થ મંદિર, ગીતા મંદિર સહિતના વિવિધ દેવ મંદિરોમાં વિશેષ શણગાર, રંગોળી, સુશોભન કરવામાં આવ્યા હતા.
કાગવડમાં ખોડલધામમાં પણ માતાજીના દર્શન માટે અનેક ભક્તો ઉમટીયા હતા. દ્વારકામાં આવેલા ભગવાન દ્વારકાધીશના ધામ એવા જગત મંદિરમાં પણ વિશેષ રોશની સાથે સુશોભન કરવામાં આવ્યું હતું. ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો રહ્યો હતો. શ્રદ્ધાળુઓએ વિવિધ મંદિરોમાં દેવ દર્શન કરી મંગળા આરતીમાં ભાગ લીધો.
કચ્છમાં આશાપુરા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. વિશાળ અને રંગબેરંગી રંગોળીઓએ વાતાવરણને વધુ સુશોભિત બનાવ્યું હતું.રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભો લીધો હતો.
વિશ્વના આદ્ય જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં દીપાવલીના શુભ પર્વ નિમિત્તે ભક્તોની વિશાળ મેદની ઉમટી પડી હતી. આ પવિત્ર અવસરે સોમનાથ દાદાની ભવ્ય મહા આરતી અને વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિરમાં વહેલી સવારથી જ શિવભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. સમગ્ર મંદિર પરિસર પબમ બમ ભોલેથ, પજય સોમનાથથ અને પહર હર મહાદેવથના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું.
દીપાવલીના આ માંગલિક પર્વે, ભક્તોએ વિશ્વના કલ્યાણ અને સૌના મંગલમયી જીવનની કામના સાથે સોમનાથ દાદા સમક્ષ પ્રાર્થના કરી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી, જેથી શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન અને પૂજાનો લાભ લઈ શકે. મધ્યાહન આરતી અને પૂજાએ સૌના હૃદયમાં શ્રદ્ધા અને આસ્થાનો અનોખો પ્રકાશ ફેલાવ્યો હતો. ભક્તોએ ભક્તિમાં લીન થઈને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ભાવનગર માં દિપાવલીનાં પાવન પર્વે ઇઅઙજ શ્રી સ્વામિનારાયણ મંદિર, અક્ષરવાડી ખાતે સાંજે ચોપડાપૂજન, મંદિર પર આશરે 7000 કરતાં પણ વધારે દીવડા સાથેની મહા આરતી, અને મંદિર પરિસર પર લાઈટ એન્ડ સાઉન્ડ શો ની સાથે ભવ્ય આતાશબાજી કરીને અને અંતમાં અક્ષરવાડી મંદિરનાં વરિષ્ઠ સંત પૂજ્ય સોમપ્રકાશ સ્વામીએ ચોપડાપુજન અને દિવાળી પર્વે સૌના ધંધા રોજગાર અને સૌ આધ્યાત્મિક માર્ગે જીવનમાં આગળ વધે તે માટે પ્રાર્થના કરીને આશિર્વાદ આપ્યા હતા.
હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ દિવાળીનું વેકેશન પડતાંની સાથે જ ફરવા બહારગામ ઉપડી જતા હોય છે. દિવાળીની પૂજા કરીને લોકો જે રીતે ફરવા નીકળી પડતા હોય છે તેને કારણે ભરચક અમદાવાદ શહેર ખાલીખમ થઇ જતું હોય છે. હવે મોટા ભાગના લોકો બે-ત્રણ કે ચાર દિવસના પ્રવાસના આયોજન કરતા હોવાથી ગુજરાતના તમામ પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો હાઉસફુલ થઇ ગયા છે. એકપણ હોટલ કે ધર્મશાળા ખાલી રહેતી નથી. તેને પગલે નજીકમાં રહેતા લોકોએ હોમ સ્ટેની વ્યવસ્થા કરતાં લોકો ત્યાં પણ રોકાઇ ગયા હતા.
અમદાવાદ સહિત ગુજરાતભરના લોકો દિવાળીના વેકેશનમાં ફરવા નીકળી ગયા છે. સૌરાષ્ટ્રમાં સોમનાથ, દ્વારકા, વીરપુર, હરસિદ્ધ, બેટ દ્વારકા સહિતના પ્રવાસન સ્થળો ફુલ થઇ ગયા છે. સાળંગપુરમાં પણ ભક્તોની ભીડ ઉભરાઇ છે. આવી જ રીતે ગુજરાતની શક્તિપીઠ એટલે અંબાજી, પાવાગઢ, ચોટિલા અને બહુચરાજીમાં પણ લોકોની ભીડ ઉમટી પડી છે. દ્વારકાની માફક ડાકોર અને શામળાજી પણ કૃષ્ણભક્તોથી ઉભરાઇ ગયા છે.
પોઇચાધામ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ખાતે પણ લોકોની ભીડ ઉમટી પડી છે. પોળોના જંગલો, કચ્છ-ભુજ અને કાઠિયાવાડ ઉપરાંત ઉત્તર ગુજરાતના પ્રવાસન સ્થળો લોકોથી ઉભરાઇ રહ્યા છે. ગીર અભયારણ્ય પણ લોકો માટે ખૂલ્લુ મૂકાતા લોકો સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં ગીરમાં પહોંચી જતા અવ્યવસ્થા ઊભી થઇ ગઇ છે.
ગુજરાત બહાર ફરવા જવામાં ગુજરાતીઓની પહેલી પસંદ છે ગોવા અને રાજસ્થાન. ગોવાના તમામ રિસોર્ટ અને રાજસ્થાનની પણ તમામ હોટલો ગુજરાતીઓથી ભરાઇ ગઇ છે. લોકો ઉત્તરાખંડ અને હિમાચલમાં પણ ફરવા જવાનું નક્કી કરતાં ત્યાં ગુજરાતી પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે.
દિવાળી વેકેશન શરૂૂ થતાંજ લોકો નજીકના પ્રવાસન સ્થળ આબુ ફરવા પહોંચી જતા હોય છે. આબુ દિવાળીના દિવસથી જ પેક થઇ ગયું છે. હવે કોઇ હોટેલ કે રિસોર્ટમાં રૂૂમ ખાલી ન હોવાથી આબુમાં જ્યાંથી એન્ટ્રી લેવામાં આવે છે ત્યાં જ હાઉસફુલના બોર્ડ લાગી ગયા છે. તેમ છતાં લોકો ગાડીમાં સૂઇ જવાનો જુગાડ કરીને પણ આબુ ફરવા પહોંચી રહ્યા છે.
ગુજરાતમાં દારૂૂબંધી છે અને દિવાળીના તહેવારોમાં મિત્રો સાથે પાર્ટી કરવા માટે લોકો નજીકના એવા સ્થળે પહોંચી જતા હોય છે કે જ્યાં દારૂૂબંધી નડે નહીં. માટે અમદાવાદ અને ઉત્તર ગુજરાતના લોકો બે દિવસની રજા પડે કે આબુ પહોંચી જતા હોય છે. આવી જ રીતે સૌરાષ્ટ્રથી લોકો દીવ અને સુરત તથા સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો દમણ કે મુંબઇ પહોંચી જતા હોય છે.
ગુજરાતીઓ દિવાળી વેકેશન પડતાં જ ફરવા નીકળી જતા હોય છે. હવે થાઇલેન્ડની ટૂર ઇકોનોમી બની રહી છે. માટે લોકો થાઈલેન્ડ ફરવા જઇ રહ્યા છે. દિવાળી વેકેશનમાં ભારતના તમામ પ્રવાસન સ્થળો હાઉસફુલ થઇ ગયા છે. થાઇલેન્ડમાં પણ બેંગકોક, પતાયા અને ફુકેત ક્રાબીની પણ તમામ હોટલ અને રિસોર્ટ ફુલ થઇ ગયા છે. લોકો દિવાળી વેકેશનમાં હવે થાઇલેન્ડ, મલેશિયા, સિંગાપોર, માલદિવ્સ જેવા દેશોમાં ફરવા જઇ રહ્યા છે.
