તાલુકા પોલીસે અરજીના કામે બોલાવી યુવકને લોકઅપમાં નાખી દેતા તબીયત લથડી
શહેરમાં મવડી ચોડકી પાસે આવેલી બાપાસિતારામ સોસાયટીમાં રહેતા યુવકને તાલુકા પોલીસે અરજીના કામે બોલાવી લોકઅપમાં નાખી દીધો હતો. બાદમાં યુવકની તબિગત લથડતા બે કલાક સુધી પોલીસ પાસે આજીજી કર્યા બાદ સારવારમાં ખસેડયો હોવાનું યુવક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મવડી વિસ્તારમાં બાપાસિતારામ ચોક પાસે આવેલી શ્રીહરી સોસાયટીમાં રહેતા જય ભરતભાઇ ડોબરીયા નામનો 23 વર્ષનો યુવાન તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હતો ત્યારે ચકર આવતા બેશુધ હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં જય ડોબરીયાએ જણાવ્યુ હતુ કે, તેના વિરૂદ્ધ પોલીસમાં અરજી થઇ હતી. જે અરજીના કામે પોલીસ સ્ટેશને બોલાવીયા બાદ લોકઅપમાં પુરી દેવામાં આવ્યો હતો. લોકઅપમાં પાચેક વાગ્યાના અરસામાં તબિયત લથડતા પોલીસને સારવારમાં લઇ જવા માટે આજીજી કરી હતી. પરંતુ બે કલાક સુધી આજીજી કર્યા બાદ પોલીસે સારવારમાં ખસેડયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.