જેતપુરમાં સાડીના કારખાનાઓમાંથી 31 બાળ મજૂરોને મુક્ત કરાવતું તંત્ર
જેતપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં સાડી ઉદ્યોગમાં કાળી બાળમજૂરી થઈ રહી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે ઓપરેશન કરીને જેતપુરમાં સાડીના કારખાનામાં કામ કરતા 31 બાળમજૂર છોડાવ્યા છે. એનજીઓએ પોલીસને સાથે રાખી આ સમગ્ર ઓપરેશન હાથ ધર્યું હતું. સાડી પ્રિન્ટિંગ ઉદ્યોગની પેટા કામગીરીમાં સાડી ફિનીશિંગ અને ઘડી, ઈસ્ત્રીનાં કામનો પણ સમાવેશ થાય છે જેમાં આ બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હતી.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટ જિલ્લાના જેતપુરમાં બાળમજૂરો કામ કરતા હોવાના પુરાવા એનજીઓને મળતા રેડ પાડવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી બાળકોને બોલાવવામાં આવતા હોય છે. જેતપુરના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ 2 સાડી ફિનિશિંગના કારખાનાઓમાં દરોડો પાડવામાં આવ્યા હતા જેમાં પોલીસે 31 બાળમજૂરોને મુક્ત કરાવ્યા હતા.
બાળકોને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. જેતપુર ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન ખાતે 3 વિરૂૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી જેમાં કારખાનેદાર અને ઠેકેદાર સામેલ છે. એનજીઓ દ્વારા ફરિયાદી બની કારખાના માલિક સામે બાળમજૂરીની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેતપુરમાં બાળ કલ્યાણ વિભાગને બાળકો પાસે કરવામાં આવતી મજુરી દેખાતી નથી. જેતપુરના સાડી ઉદ્યોગમાં મોટી માત્રામાં બાળમજૂરી કરાવવામાં આવી રહી છે એવામાં આટલી મોટી સંવેદનશીલ ઘટના પ્રકાશમાં આવતા તપાસ જરૂૂરી બની છે.