તંત્ર જાગ્યું: મનપાના 250થી વધુ ડ્રાઈવરના ફિટનેસ, મેડિકલ ટેસ્ટ કરાવાશે
મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી પ્રજાલક્ષી સુવિધાઓમાં નિયમોની ચુસ્ત અમલવારી કરવાની હોય છે. કોઈપણ પ્રોજેક્ટ અથવા લોકઉપયોગી સુવિધાઓ માટે નિયમો ઘડવામાં આવે છે. છતાં તંત્ર સંચાલન ન કરતું હોય અને એજન્સીને કામ સોંપવામાં આવ્યું હોય તેવા કામોમાં સતત નિયમોનો ઉલાળિયો થતો હોવાનું ફરી એક વખત બહાર આવ્યું છે.
તાજેતરમાં સીટીબસના ડ્રાઈવરને ચાલુ બસે એટેક આવતા બસની અડફેટે આવી ગયેલ મહિલાનું તેમજ બસ ડ્રાઈવરનું મોત નિપજ્યું છે. જેને લઈને ભારે હંગામો મચી જતાં તપાસ કરતા ડ્રાઈવરની ઉંમર 65 વર્ષથી વધુ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે નિયમોની અમલવારી કરવા માટે હવે તંત્રએ મહાનગરપાલિકાની તમામ સેવાઓમાં ફરજ બજાવતા ડ્રાઈવરના ફિટનેસ અને મેડીકલ ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે.
મહાનગરપાલિકાની એજન્સી સંચાલીત સીટીબસના વયોવૃદ્ધ ડ્રાઈવરને ચાલુ બસે એટેક આવતા અનેક લોકોને અડફેટે લીધા હતાં. જેમાં એક મહિલાનું મોત નિપજેલ તેવી જ રીતે એટેકના કારણે ડ્રાઈવરનું પણ મૃત્યુ નિપજ્યું હતું. પરંતુ સવારથી સાંજ સુધી ટ્રાફિકમાં ફરતી સીટીબસ તેમજ મહાનગરપાલિકાના અન્ય વાહનોમાં ફરજ બજાવતા ડ્રાઈવરોને નિયમ મુજબ ઉમર મર્યાદા લાગુ પડે છે. તેવુ આબનાવ બાદ કોર્પોરેશનને જાણવા મળ્યું છે.
આરટીઓના નિયમ મુજબ એસટી બસમાં 62 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેની સામે દુર્ઘટના સર્જાય તે બસના ડ્રાઈવરની ઉંમર 66 વર્ષથી વધુ હોવાનું જાણવા મળેલ છે. જેથી એજન્સી દ્વારા નિયમનો ઉલાળિયો કરી ડ્રાઈવરોની ભરતી કરી દીધાનું બહાર આવ્યું છે. આથી હવે પછી આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે વય મર્યાદાની અમલવારી અને મહાનગરપાલિકા તમામ 250થી વધુ ડ્રાઈવરોના ફિટનેસ સર્ટી તેમજ મેડીકલ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપામાં ફિટનેસ ટેસ્ટ તેમજ મહત્તમ ઉમરની મર્યાદાની કોઈ ખરાઈ કરવાની સિસ્ટમ જ નથી છતાં હવે અકસ્માત સર્જાતા સિટી બસ અને બીઆરટીએસમાં ફરજ બજાવતા તમામ 250 જેટલા ડ્રાઈવરના ફિટનેસ ટેસ્ટ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે.
સિવિલ હોસ્પિટલને પત્ર લખાશે અને દૈનિક 15થી 20ની મર્યાદામાં ડ્રાઈવરને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવશે. આ ચેકઅપ આરટીઓ તેમજ એસ.ટી.માં જે રીતે ફિટનેસ ટેસ્ટ હોય તે જ રીતે કરવામાં આવશે. જે ડ્રાઈવરને તબીબી અભિપ્રાયમાં ફિટ જાહેર કરાશે તેને જ ફરજ સોંપવામાં આવશે. આ સિવાય ગંભીર બીમારી ધરાવતા, દ્રષ્ટિમાં ઉણપ સહિતની સમસ્યા હોય તો તેઓને સર્ટિફિકેટ નહીં અપાય તો એજન્સીએ આવા ડ્રાઈવરને છૂટા કરી નવેસરથી ભરતી કરવાની રહેશે તેમજ ભરતી કરતા પહેલા પણ મેડિકલ ચેકઅપ કરાવવાનું રહેશે.
એજન્સી વિરુદ્ધ પગલાં લેવાશે
મનપાની સીટીબસના ડ્રાઈવરને એટેક આવવાની ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. જેના લીધે ડ્રાઈવરની ઉંમરના લીધે કોકડુ ગુંચવાયું છે. અને નિયમોની અમલવારી કરવાના આદેશ થયા છે. ત્યારે મહાનગરપાલિકાએ આ ડ્રાઈવરની ભરતીમાં નિયમનો ઉલાળિયો કરનાર એજન્સી વિરુદ્ધ પગલા લેવામાટે આરટીઓ તેમજ પોલીસ વિભાગ પાસે અભિપ્રાય માગ્યો છે. જે આવ્યા બાદ એજન્સી વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે તેમ જાણવા મળેલ છે.