For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિધાનસભા અધ્યક્ષે વીટો વાપરી અધિકારીઓને ખખડાવ્યા

04:43 PM Feb 28, 2024 IST | Bhumika
વિધાનસભા અધ્યક્ષે વીટો વાપરી અધિકારીઓને ખખડાવ્યા

ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે ત્યારે આજરોજ પ્રથમ બેઠક દરમિયાન જેવો પ્રશ્નોત્તરી કાળ પૂરો થયો કે, તુરંત જ વિધાનસભા અધ્યક્ષે પોતાનો વીટો પાવર એવો વાપર્યો હતો અને અધિકારીઓને એક મિનિટ સુધી ખખડાવ્યા હતા. બાદમાં કહ્યું હતું કે, તમે જઈ શકો છો. જેને જોઈ ગૃહમાં ધારાસભ્યોએ પાટલી થપથપાવી હતી. પાટલી થપથપાવનારા ધારાસભ્યો ભાજપના હતા અને આ તમામ ધારાસભ્યોના ચહેરા પર ખુશી પણ જોવા મળી હતી.

Advertisement

વિધાનસભા સત્ર દરમિયાન પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબ સબંધિત મંત્રી આપે છે એ સમયે વારંવાર જોવા મળે છે કે, જવાબ આપનાર મંત્રી વાંચીને જવાબ આપે છે. અનેક કિસ્સામાં એ પણ જોવા મળે છે કે, ગેલેરીમાં બેઠેલા અધિકારીઓ ચાલુ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ચિઠ્ઠીમાં વિગત લખી અને મંત્રીને મોકલાવે. એ બાદ મંત્રી જવાબ આપી શકે છે. જેના કારણે વધારે પ્રશ્નો પૂછી શકાતા નથી અને સમય વેડફાય છે.

વિધાનસભા સત્રની આજની બેઠકમાં કૃષિ-પશુપાલન-ગૌ સંવર્ધન, આદિજાતિ વિકાસ, મત્સ્યોદ્યોગ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ સમયે સબંધિત વિભાગના તમામ સચિવ અને અગ્ર સચિવ પણ ગેલેરીમાં બેઠા હતા. એક કલાકનો પ્રશ્નોત્તરી કાળ પૂરો થયો કે તરત જ તમામ સચિવ અને અગ્ર સચિવ બહાર નીકળવા જતા હતા કે, વિધાનસભા અધ્યક્ષે તમામ અધિકારીઓને બેસવા માટે સૂચના આપી હતી.

Advertisement

સૂચનાને પગલે તમામ અધિકારીઓ પોતાના સ્થાન પર બેસી ગયા અને એ પછી અધ્યક્ષ શંકર ચૌધરીએ પોતાનો વીટો પાવર વાપર્યો. અધ્યક્ષે તમામ હાજર સચિવ અને અગ્ર સચિવોને ઠપકો આપતા સૂરમાં સૂચના આપી કે, તમામ મંત્રીઓને યોગ્ય રીતે બ્રિફ કરવું જોઈએ. આ બાબતનું આગામી સત્રથી પાલન થશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

ધારાસભ્યો ખુશ પાટલી થપથપાવી
અધ્યક્ષે આશરે એકાદ મિનિટ સુધી ચાલુ વિધાનસભા ગૃહમાં તમામ હાજર સભ્યો વચ્ચે અધિકારીઓને ઠપકો આપ્યા બાદ કહ્યું કે, હવે તમે જઈ શકો છો. આ સાંભળી વિધાનસભા ગૃહમાં હાજર ભાજપના તમામ ધારાસભ્યોના ચહેરા પર ખુશી છલકાઈ ગઈ હતી. ભાજપના હાજર તમામ ધારાસભ્યોએ ગૃહમાં પાટલી થપથપાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement