શિવરાત્રીના મેળામાં ભાવિકોનો મહેરામણ ઊમટ્યો, રાત્રે ઐતિહાસિક રવેડી
- દેશભરમાંથી શ્રદ્ધાળુઓનો ભવનાથ તળેટી તરફ પ્રવાહ, જે વાહન હાથ લાગ્યું તે લઈને ઉતરી પડયા
- રાત્રે સાધુ-સંતોની રવાડીના દર્શન માટે જબરો ધસારો, ભવનાથમાં ખાનગી વાહનોને નો એન્ટ્રી
- દેશભરમાંથી સાધુ-સંતો પહોંચ્યા, ગિરનારની ગોદમાં ઘૂઘવતો હરહર મહાદેવનો નાદ
- મધરાત્રે મૃગીકુંડમાં સ્નાન બાદ થશે મિનિ કુંભની પૂર્ણાહુતિ, ત્રણ હજાર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા
જૂનાગઢમાં ગરવા ગિરનારની ભવનાથ તળેટીમાં યોજાયેલ મહા શિવરાત્રીના મેળામાં આજે શિવરાત્રીના દિવસે હૈયે હૈયુ દળાય તેટલી જનમેદની ઉમટી પડયા વ્યવસ્થા જાળવવામાં પોલીસને પરસેવો છુટી ગયો હતો. આજે આ મિનિ કુંભનો અંતિમ દિવસ છે અને સાંજે સાધુ સંતોની ઐતિહાસીક રવેડી બાદ મધરાત્રે 12 વાગ્યે નાગા સાધુઓ પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કરશે અને એ સાથે મહા મેળાની પુર્ણાહુતિ થશે.
મહાશિવરાત્રીની પરંપરાગત રેવડીમાં ભાગ લેવા દેશભરમાંથી સાધુ સંતોએ ભવનાથ તળેટીમાં પડાવ નાખ્યો છે. અખાડાઓ અને ઉતારાઓમાં શિવવંદના અને હર હર મહાદેવના નાદથી ભવનાથ તળેટી ગુંજી રહે છે. રાત્રે નિકળનાર સાધુ સંતોની રેવડીના દર્શન માટે દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા તળેટીમાં જયાં જુઓ ત્યાં માનવ મહેરામણ નજરે પડી રહ્યો છે.ભાવિકોના અભૂતપૂર્વ ધસારાના પગલે ગઈકાલે સાંજથી જ પોલીસે ખાનગી વાહાનેને ભવનાથ તળેટીમાં નો એન્ટ્રી કરી દીધી છે. લોકો પાંચ સાત કિલોમીટર ચાલીને તળેટી સુધી પહોંચી રહ્ક્ષાં છે. આજે આ ધર્મ મેળાનો અંતિમ દિવસ હોવાથી સવારથી જ ભાવિકો જે વાહન મળે તે લઈને ભવનાથ તળેટીમાં ઉતરી રહ્યાં છે.
ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીના મેળામાં આવવા માટેનો એકમાત્ર માર્ગ જુનાગઢ શહેરમાંથી પસાર થાય છે. ભવનાથની જે પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ છે તેને જોતા ક્રાઉડ મેનેજમેન્ટ માટે ખાસ બંદોબસ્ત કરાયો છે. ક્રાઉડ મેનેજમેન્ટ માટે જુનાગઢ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, એસઆરપી સહિત 3000 જેટલા પોલીસ જવાનો ખડે પગે તૈનાત રખાયા છે.વિશેષ રૂૂપે બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનથી સિટીના પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના જે જગ્યાઓ છે ત્યાંથી શરૂૂ કરી ભવનાથમાં પોલીસની રાઉટીઓ તૈનાત રખાઈ છે. પોલીસ મદદમાં આવી શકે તે માટે પોલીસની વિઝિબિલિટી પણ રહે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સાથે 10 સર્વેલન્સની ટીમ પણ તૈનાત રહેશે. જે લોકોના પિક પોકેટિંગ કે મોબાઈલ સ્નેચિંગ જેવી ઘટના ન બને તે માટે રાઉન્ડ ધ ક્લોક નજર રાખશે.
મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સાથે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેમજ તેમને મદદ મળી રહે તે માટે 10 શી ટીમ પણ તૈનાત કરાઈ છે. લોકોને ઓડિયો વિજ્યુલ મારફતે પણ સતત જાગૃત કરવાની વ્યવસ્થા કરાઈ છે.મુચકુંદ ગુફાના મહંત મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજે જણાવ્યું હતું કે, આજે અમારા સાધુ સંન્યાસીઓ માટે ઉત્તમ તહેવાર એટલે કે મહાશિવરાત્રિનો તહેવાર છે. શિવરાત્રિનો ચાર દિવસ મેળો યોજાઈ છે. અને આજના દિવસની તો તમામ સાધુઓ રાહ જોતા હોય છે. શિવરાત્રિ મેળામાં સાધુઓએ જે ધુણીઓ ધખાવી છે તેનો આજે છેલ્લો દિવસ છે. રાત્રે તમામ સાધુ-સંતો અને નાગા બાવાની રવાડી નીકળશે. સાધુ સંતો અને નાગાબાવાઓ શરીરે ભસ્મ લગાવી રવાડી પૂર્ણ થયા બાદ મૃગી કુંડમાં સ્નાન કરશે. આજે શિવરાત્રિએ મહાદેવ પાતાળમાંથી પ્રગટ થશે અને શિવજીના સ્વાગત માટે તમામ સાધુ, સંતો નાગાબાવાઓ મળી મહાદેવને જળાભિષેક કરશે.
શિવરાત્રિની રાત્રીએ સાધુ-સંતો નાગાબાવાઓ શાહી સ્નાન કરે છે તે મૃગીકુંડમાં સ્વયંભૂ જળ પ્રગટે છે. કુંડના ઊંડાણનું તળિયું હજુ સુધી માપી શકાયું નથી. શિવ જે સમયે પ્રગટ થયા ત્યારે અહીં પણ ગંગા જમના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ થયો હતો. ત્યારે શિવરાત્રિની રાત્રિએ પાંચ દિવસ પોતાની ધુણી ધખાવ્યાં બાદ સાધુ-સંતો નાગાબાવાઓ આમરોગી કુંડમાં શાહી સ્નાન કરે છે.
ભવનાથ મહાદેવના દર્શને આવેલા લાભુબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, શિવરાત્રિના મેળામાં અમે દર વર્ષે દર્શન કરવા આવીએ છીએ. ભવનાથના દર્શન કરી અમે સૌ ધન્યતા અનુભવીએ છીએ. દર્શન માટે મંદિર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટના પૂજાબેને જણાવ્યું હતું કે, હું મારા પતિ સાથે શિવરાત્રિ પર પ્રથમવાર ભવનાથ મહાદેવના દર્શન કરવા આવી છું. અહિની આધ્યાત્મિક અનુભૂતિ ખૂબ જ અદભુત છે. અહીં જે મૃગીકુંડ છે તેમાં નાગા સાધુઓ જ્યારે ડૂબકી લગાવે છે ત્યારે ખુદ મહાદેવ પણ અહીં આવતા હોવાનું મનાય છે. આ મૃગીકુંડમાં ઘણા નાગા સાધુઓ શાહી સ્નાન માટે જાય છે. જેમાંથી એક સાધુ અદ્રશ્ય થઈ જાય છે અને તે મહાદેવ હોય છે તેવી પણ માન્યતા છે. ત્યારે આ જગ્યા પર આજે હું આવી છું. આ જગ્યા પર શાહી સ્નાન થવાનું છે. મને ખૂબ જ આધ્યાત્મિક અનુભૂતિ થઈ રહી છે.
ભવનાથ દાદાની મહાઆરતી ઉતારવામાં આવશે
વિવિધ અખાડાના સભાપતિઓ, દેશભરમાંથી આવેલ મહામંડલેશ્વર તેમજ સંતોના દર્શન કરવાનો અનેરો મહિમા ભવનાથના મેળામાં જોવા મળે છે. આજે રાત્રે સાધુ-સંતોની રવાડી આ મેળાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. નાગા બાવાઓના અંગ કસરતના પ્રયોગો તેમજ અલગ-અલગ સંપ્રદાયની ધજા સાથે સંતોની રવાડી ભવનાથ ભ્રમણ કરશે. રાત્રે 12:00 વાગે મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ ભવનાથ દાદાની મહાઆરતી ઉતારવામાં આવશે. ત્યારબાદ મેળો પૂર્ણ થશે.
નાગાબાવાઓના શાહી સ્નાન બાદ મેળો પૂર્ણ થશે
હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ મંદિરે ધ્વજારોહણ, ભવનાથ વિસ્તારમાં અન્નક્ષેત્ર, ઉતારાઓ, ભજન મંડળીઓએ છેલ્લાં ચાર દિવસથી ભાવિકોને આનંદ કરાવી રહ્યા છે. રાત દિવસ ભાવિકો ઉમટી રહ્યા છે. સાધુ-સંતો નાગા બાવાઓની રવાડી નીકળ્યા બાદ મૃગિ કુંડમાં સાધુ-સંતો નાગાબાવાઓ શાહી સ્નાન કરશે જે બાદ શિવરાત્રિનો મેળો પૂર્ણ થશે.
લાખો ભાવિકોએ મેળાની મુલાકાત લીધી
આ 4 દિવસમાં લાખો ભાવિકોએ મેળાની મુલાકાત લીધી છે. ટ્રેન, બસ અને ખાનગી વાહનો દ્વારા સૌરાષ્ટ્ર તેમજ દેશભરમાંથી યાત્રાળુઓ ભવનાથમાં મેળો કરવા માટે આવ્યાં છે. આજે મહાશિવરાત્રિના દિવસે લગભગ દોઢથી બે લાખ જેટલા ભાવિકો ભવનાથ ક્ષેત્રમાં આવશે તેવું અનુમાન છે.