બીજું શૈક્ષણિક સત્ર શરૂ પણ અમદાવાદની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની 207 જગ્યા ખાલી
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સહિતની સ્કૂલોમાં તા.9થી નવા દ્વિતીય શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ઉઘડતાં વેકેશને જ જુદી જુદી સ્કૂલોમાં 207 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી હોવાથી વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરશે તેનો પ્રશ્ન ઊભો થયો છે. કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિયુક્તિ કરવામાં આવે છે તેમાં પણ પૂરતા શિક્ષકો મળતાં નથી ત્યારે અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખીને તાકીદે યોગ્ય ઉકેલ લાવવા માગણી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં આવેલી જુદી જુદી ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ્ઞાન સહાયક ન મળતાં 207 જગ્યાઓ ખાલી પડી છે.
જે જ્ઞાન સહાયકની નિયુક્તિ કરવામાં આવી છે તે પૈકી કેટલા હાજર થાય છે તે પણ પ્રશ્ન છે. મહત્વની વાત એ કે, અંગ્રેજી વિષયમાં 89 જેટલી જગ્યા ખાલી હોવા છતાં એકપણ ઉમેદવાર મળ્યો નથી. શિક્ષણ વિભાગ દ્વારા જુદી જુદી સ્કૂલોમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓની સામે ખુટતા વિષયમાં જ્ઞાન સહાયકની નિમણૂક કરવાનું શરૂૂ કરાયું છે.
જોકે, આ નિયુક્તિની પ્રક્રિયા જિલ્લાકક્ષાએ કરવાના બદલે સેન્ટ્રલાઇઝ્ડ થતાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડી રહી છે.
આ ઉપરાંત કરાર આધારિત નિમણૂક હોવાના કારણે નિર્ધારિત પગારમાં પોતાના વતન કે ઘરથી 200 કિલોમીટર દૂર જવા કોઇ તૈયાર નથી. આમ, નિયુક્તિ આપવા છતાં મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર થતાં નથી.
હાલની સ્થિતિમાં ઉચ્ચતર માધ્યમિકમાં કમ્પ્યૂટરમાં 11, અર્થશાસ્ત્રમાં 18, અંગ્રેજીમાં 41, ભુગોળમાં 1, ફિલોસોફીમાં 2, સાયકોલોજીમાં 12, સોશિયોલોજીમાં 10, યોગમાં 3, કોમર્સમાં 19 મળીને કુલ 129 જગ્યા ખાલી છે. આ જ રીતે માધ્યમિક સ્કૂલમાં સામાજિક વિજ્ઞાનની 21, અંગ્રેજીમાં 48, યોગામાં 3, હિન્દીમાં 6 મળી 78 જગ્યા ખાલી પડી છે.
