મોસમે કરવટ બદલી, સૌરાષ્ટ્રમાં પ્રથમ ઝાકળ વર્ષા
શિયાળાના આગમનની છડી પોકારતું ગાઢ ધુમ્મસ છવાયુ, આહલાદક ઠંડીનો અનુભવ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા પાછોતરા વરસાદ વચ્ચે આજથી મોસમે કરવટ બદલી હોય અને ધીમા પગે શિયાળાનું આયમ થઇ રહ્યું હોય તેમ વહેલી સવારે અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. સાથો સાથ લોકોએ આહલાદક ઠંડીનો પણ અનુભવ કર્યો હતાફ વહેલી સવારે હાઇવે ઉપર ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી.
ચાલુ સિઝનની પ્રથમ ઝાકળવર્ષાનો પણ લોકોએ અનુભવ કર્યો હતો. હાઇવે ઉપર ઝાકળવર્ષાના કારણે રસ્તા ભીના થઇ ગયા પ્રથમ ઝાકળવર્ષાના કારણે આહલાદક દૃશ્યો પણ જોવા મળ્યા હતા.
ચોટીલાથી પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે કે, સૌરાષ્ટ્રનાં પ્રવેશ દ્વાર યાત્રાધામ ચોટીલામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસનો ઓછાયો છવાયો હતો જેના પ્રભાવમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ઝાકળ વર્ષા ની મોટી અસર જોવા મળી હતી જે અહીં દ્રશ્યમાન થાય છે. અનેક વાહન ચાલકો માટે પણ ધુમ્મસ મુશ્કેલી સમાન બનેલ હતું.
લાખો લોકો ની આસ્થાનું કેન્દ્ર ચામુંડા માતાજીનો ડુંગર ઝાકળની આગોશમાં જાણે ધુમ્મસની ચુંદડી ઓઢી હોય તેવું મન મોહક દ્રશ્ય જોવા મળ્યું હતું અને વહેલી સવારના યાત્રીઓને હિલ સ્ટેશન જેવી મોજ માણી હતી.બદલાતા વાતાવરણમાં શિયાળાના પગરવના એંધાણ થતા શારીરિક સોષ્ટવના શોખીનો મા આનંદની લહેર પ્રસરી જવા પામી છે.