ધ્રાંગધ્રાના રાવળિયાવદરના સરપંચ ત્રણને બદલે બે સંતાનો બતાવી ચૂંટણી લડી જીત્યા’તા
ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામના સરપંચને 3 સંતાન હોવાના મુદ્દે ગેરલાયક ઠેરવી સસ્પેન્ડ કરવાની માગ સાથે રાવળીયાવદર ગ્રામજનો અને આગેવાનોએ આવેદન આપ્યું હતું. જ્યારે ગામ લોકો દ્વારા જરૂૂર પડ્યે આંદોલનની ચીમકી અપાઈ હતી.
ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદરમાં સામસામે આવેદન આપવામાં આવી રહ્યા છે. ત્યારે ગ્રામજનો અને આગેવાનોએ ગ્રામ પંચાયતના સરપંચ રતીલાલ સોમાભાઈ સારલા 2004થી 3 બાળક ધરાવે છે. ચૂંટણી પંચના નિયમ મુજબ 2 બાળકોથી વધુ સંતાન હોય તેઓ સરપંચ, ધારાસભ્ય કે અન્ય ચૂંટણી લડવા માટે ઉમેદવારી ફોર્મ ભરી શકતા નથી.
આ નિયમ છતાં રાવળીયાવદર ગામના સરપંચે ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કરી 3 સંતાન હોવા છતાં ઉમેદવારી ફોર્મમાં માત્ર 2 સંતાન દર્શાવી ખોટી માહિતી રજૂ કરી સરપંચની ચૂંટણી લડી હતી.
તેમજ સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના વિકાસ માટે મળતી ગ્રાન્ટની રકમ જાહેર શૌચાલય, ગટર, રસ્તા, વીજળી અને પાણી માટે વાપરવાની હોય છે.
પરંતુ સરપંચ દ્વારા ગ્રાન્ટનો પણ યોગ્ય ઉપયોગ ન કર્યો હોવાથી યોગ્ય સુવિધા ન હોવાનો આક્ષેપ કર્યો હતો. સરપંચ સામે પોલીસ કેસ પણ થઈ ચૂક્યા છે. ત્યારે આ તમામ બાબતોને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ રાવળીયાવદર ગામના સરપંચને ગેરલાયક ઠેરવી સસ્પેન્ડ કરવાની માગ સાથે ધ્રાંગધ્રા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહિીં આવે તો આગામી દિવસોમાં ઉચ્ચકક્ષાએ લડત આપવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.