સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના શૌચાલયની છતનું પોપડું પડયું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં બોયઝના શૌચાલયમાં છતમાંથી મોટું પોપડુ પડ્યું હોવાની ઘટના સામે આવે છે. પ્રદેશ NSUI ના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ સ્થળ તપાસ કરતા આ ઘટના ઉજાગર થઈ છે. જોકે આજે સવારે બનેલી આ ઘટના દરમિયાન ત્યાં કોઈ પણ વિદ્યાર્થી હાજર ન હોવાથી ગંભીર જાનહાનિ ટળી હતી. જેથી અહીં કુલપતિ રૂૂબરૂૂ તપાસ માટે આવે અને આ પ્રકારનો ભ્રષ્ટાચાર છે તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. જ્યારે આ મામલે ભવનના હેડનો સંપર્ક કરવામાં આવતા તેમને જવાબ આપવાનું ટાળ્યું હતુ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનમાં પહોંચતા પ્રદેશ NSUI ના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, આ મનોવિજ્ઞાન ભવનનું બોયઝ શૌચાલય છે કે જેનો અહીં ભણતા વિદ્યાર્થીઓ રેગ્યુલર ઉપયોગ કરે છે. જોકે આજે સવારે આ શૌચાલયની છતનું મોટું પોપડુ નીચે પડ્યું હતું, સદભાગ્યે ત્યાં કોઈ વિદ્યાર્થી ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. આ સત્તાધીશોનો ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેથી સત્વરે કુલપતિ અહીં આવે અને સ્થળ તપાસ કરે તેમજ તાત્કાલિક અહીં રીપેરીંગ કામ કરાવે તેવી માગણી કરી હતી.
આ બાબતે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. તરલીકા ઝાલાવાડીયાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, અત્યારે એક મિટિંગમાં છું, પછી વાત કરું. તમારા ભવનમાં બોયઝના શૌચાલયમાં છતમાંથી પોપડુ પડ્યું તે મામલે પૂછવામાં આવ્યું છતાં પણ તેમણે જવાબ આપવાને બદલે પછી વાત કરું એવું કહ્યુ. હાલ મનોવિજ્ઞાન ભવનમાં 100 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાના યુવાનોને શૌચાલયમાં જવામાં જોખમ હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે.