હળવદમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો રોડ તૂટી ગયો..!!
હળવદથી ઈગોરાળા મયાપુર અને મિયાણી સુધીનો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આશરે 16 કિલોમીટર અને 8 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ હજુ તો રોડ બન્યાને બે વર્ષ માંડ માંડ વિત્યા છે ત્યાં તો રોડમા ઘુંટણ સુધી ખાડાઓ પડી ગયાં છે અને જેને લઈને પાંચથી વધુ ગામનાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે જ્યારે હળવદ તાલુકા ભાજપ પ્રમુખ સહિત વાહનચાલકોએ રોડમા ખાડાઓ, જંગલ કટીંગ, ફર્નિચર અને નાળાઓનુ સમારકામની માંગ કરી છે અને કંપનીને બ્લેકલિસ્ટ કરવાની રજૂઆત કરવાની માંગ ઉચ્ચકક્ષાએ કરી છે.રાજ્યમા વિવિધ ગામોને શહેર સુધી જોડવા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.
પરંતુ અધિકારીની બેજવાબદારી અને લાલિયાવાડીના પગલે કરોડોનાં ખર્ચે બનેલા રોડ ગણતરીનાં દિવસોમાં તુટી જતા હોય છે ત્યારે હળવદથી ઈગોરાળા મયાપુર અને મિયાણી જતાં રોડ 14-5-23ના રોજ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને આ રોડની પાંચ વર્ષની ગેરંટી એટલે કે નિભાવવાની શરતો સાથે કામગીરી કરવામાં આવી છે અને આ રોડ આશરે 8 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયો છે ત્યારે કીડી ગામનાં ઈશ્વરભાઈ ચાવડા, મયુર સિંહ ઝાલા તેમજ હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણઝરીયા સહિતનાએ રોડની નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના સણસણતા આરોપ લગાવ્યો હતો.
અને અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ અધિકારીની મિલિભગતથી રોડમા લોટ પાણીને લાકડાં જેવો એજન્સીએ બનાવીને વાહનચાલકોને પિડા આપી રહ્યો છે વધુમાં રોડની બાજુમાં માટીકામ, જંગલ કટીંગ, ફર્નિચર તેમજ રેઈનકટનુ પણ સમારકામ કરવું જરૂૂરી બન્યું છે ત્યારે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કરોડોની ગ્રાન્ટથી બનેલાં રોડની નબળી કામગીરી બદલ એજન્સી બ્લેકલિસ્ટ તેમજ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું.