'રિપોર્ટ સંપૂર્ણ તથ્યો પર આધારિત હશે.' સંસદમાં હોબાળા વચ્ચે અમદાવાદ પ્લેન ક્રેશના મુદ્દાને લઈને ઉડ્ડયન મંત્રીનું નિવેદન
સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો. વિપક્ષે બંને ગૃહોમાં પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા. બંને ગૃહોને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા.
આજથી શરુ થયેલા ચોમાસું સત્રમાં વિપક્ષે ઘણા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પ્રશ્નો કર્યા લોકસભામાં હોબાળો પણ મચાવ્યો હતો. આ મુદ્દાઓમાં એક મુદ્દો અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટના વિશે પણ હતો. આ દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ સીએમ સહિત અન્ય લોકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા હતા.
અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે અમારી પાસે કોકપીટમાં પાઇલટ્સની વાતચીતનું રેકોર્ડિંગ છે. તમામ તારણો અંતિમ તપાસ અહેવાલમાં સામેલ કરવામાં આવશે. આ અહેવાલ સંપૂર્ણપણે તથ્યો પર આધારિત હશે અને તેમાં કોઈ પક્ષપાત રહેશે નહીં.
રાજ્યસભામાં વિમાન દુર્ઘટના પર પ્રતિક્રિયા આપતા ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું કે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, એવું લાગે છે કે બળતણ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. આ વિમાન દુર્ઘટનાનું કારણ શું હતું અને વિમાનનું બળતણ કેવી રીતે બંધ કરવામાં આવ્યું હતું. વિવિધ એજન્સીઓ દ્વારા આની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે કંઈ પણ નક્કર કહેવા માટે આપણે અંતિમ તપાસ અહેવાલની રાહ જોવી પડશે. મેં પોતે જોયું છે કે આ મામલે ઘણી પ્રકારની માહિતી બહાર આવી રહી છે, જેમાં વિવિધ પ્રકારની વાતો કહેવામાં આવી રહી છે, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે આ મામલે સત્ય બહાર આવે.