રસના ચિચોડાની જગ્યા માટેના ભાડા અધિકારીએ રાતો રાત વધારી દેતા દેકારો
દર વર્ર્ષે ગોલા અને રસના ધંધા માટે ગાળાનો ભાવ રૂા. 500 હતો તે ફૂટમાં કરી બમણો કરી ટેન્ડર કરી નાખ્યું, ધંધાર્થીઓ ભાજપ પ્રમુખ પાસે દોડી ગયા
રાજકોટ શહેરમાં સિઝનલ ધંધાની ભારે બોલબાલા છે. જેમાં ઉનાળા દરમિયાન ગોલા અને શેરડીના રસના સ્ટોલ અનેક સ્થળે બનતા હોય છે. જેમાં મહાનગરપાલિકા દ્વારા તેમની માલીકીના 8 પ્લોટ ઉપર વર્ષોથી નાના ધંધાર્થીઓને 1010ના ગાળાના રૂા. 500 લેખે ભાડેથી જગ્યા ફાળવવામાં આવી રહી છે. આ વર્ષે પણ જગ્યા માટે અનેક લોકોએ અરજી કરી છે. ત્યારે જ અધિકારીઓએ મનઘડત નિર્ણય લઈ ગોલા અને રસના ચિચોડાના ગાળા દોઢા કરી ફિક્સ ભાવના બદલે ફૂટમાં ભાવ કરી ડબલભાવ વધારો કરી નાખતા નાના ધંધાર્થીઓ શહેર ભાજપ પ્રમુખ મુકશભાઈ દોશી પાસે દોડી ગયા હતાં. આથી તેઓએ આ મુદ્દે ઘટતુ કરવાની ખાતરી આપી હતી.
મહાનગરપાલિકાની માલીકીના શહેરમાં આવેલા અલગ અલગ આઠ પ્લોટ ઉપર દર વર્ષે ઉનાળાની સિઝનમાં રસના ચીચોડા અને ગોલાના ધંધાર્થીઓને પ્લોટ પર જગ્યા ભાડેથી આપવામાં આવે છે. જેના માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. વર્ષોથી શહેરમાં ગોલા અને રસના ચિચોડા માટે ગાળાનો ભાવ ફિક્સ કરવામાં આવ્ય છે. 10X10ના એક ગાળાના ફિક્સ રૂપિયા 250 એટલે કે, બે ગાળાના રૂા. 500 લેવામાં આવે છે. પરંતુ એસ્ટેટ અધિકારી નવા આવતા આ સિઝનલ ધંધાર્થીઓના ભાડામાં વધારોઝીંકી દેવામાં આવ્યો છે. જૂના ભાવ ગાળા મુજબ વસુલવામાં આવતા હતાં તેના બદલે હવે દરેક ગાળાના ફૂટ માપી રૂા. 2.50 ફૂટ દિઠ વસુલવાનું નક્કી કરી આ મુજબનું ટેન્ડર બહાર પાડી દેતા સિઝન નાના ધંધાર્થીઓમાં દેકારો બોલી ગયો છે. અને તેનો વિરોધ કરી શહેરભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીને ઉગ્ર રજૂઆત કરી ભાવવધારો પરત ખેંચવની માંગ કરી હતી.
મનપા દ્વારા શહેરની મધ્યમાં આવેલા લગડી જેવાખાલી પ્લોટ ઉપર અનેક લાગવગિયાઓને પોતાના ધંધા માટે મફતમાં લ્હાણી કરી દેવામાં આવતી હોવાની ફરિયાદ ધંધાર્થીઓએ આજે કરી હતી. તેમજ આ પ્લોટ વર્ષ દરમિયાન ખાલી જ રહેતા હોય છે. ત્યારે નાના ધંધાર્થીઓ પાસેથી ફક્ત રૂા. 500 વધુ લેવાનું કૃત્ય કરવામાં આવ્યું છે. તેમ જણાવ્યું હતું. અગાઉ એક ગાળાના રૂા. 500 લેવાતા હતાં જેનું ફૂટમાં માપ થતું ન હતું. પરંતુ જાણકારોના જણાવ્યા મુજબ 10X10નો એક ગાળો રાખવામાં આવતો હોય છે.
જેની સામે હવે 15X15નો ગાળો ફિક્સ કરવમાં આવ્ય છે. અને ફૂટના રૂા. 2.50 નક્કી કરવામાં આવ્યા હોય એક ગાળો રાખે તો પણ ધંધાર્થીને 563 રૂપિયા ચુકવવા પડે છે અને નિયમ મુજબ બે ગાળા રાખે ત્યારે 1126 રૂપિયા ભાડુ ચુકવવાનું થાય છે. આથી અચાનક એસ્ટેટના અધિકારીએ સુચવેલા ભાડા વધારાની દરખાસ્તનું ટેન્ડર કરવમાં આવ્યું જેનો ભારે વિરોધ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એસ્ટેટ વિભાગમાં થોડા સમય પહેલા જ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે. જેને વિભાગીય જાણકારી પુરેપુરી ન હોવાનું પણ સ્ટાફ મિત્રો જણાવી રહ્યા છે ત્યારે મનમાની કરી ભાડા વધારાની દરખાસ્ત નવનિયુક્ત કમિશનરને મોકલી કમિશનરની અજાણતાનો પણ લાભ લેવામાં આવ્યો છે. તેવું ચર્ચાઈ રહ્યું છે.
ગરીબ ધંધાર્થીઓની સાથે અન્યાય થયો છે:પ્રમુખ
મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા ઉનાળા દરમિયાન મનપાના પ્લોટ ઉપર રસના ચિચોડા અને ગોલાના ધંધાર્થીઓ દ્વારા ભાડેથી જગ્યા લેવામાં આવે છે. જેમાં તોતીંગ વધારો કરી દેવાતા ધંધાર્થીઓએ આજે શહેરભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી પાસે આ મુદ્દે રજૂઆત કરી હતી. જેથી મુકેશભાઈએ પણ ગરીબ ધંધાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે તેમ જણાવી અધિકારીઓની નેગેટિવવૃતિ મુદ્દે હું મ્યુનિસિપલ કમિશનરનું અને સ્ટેન્ડીંગ ચેરમેનનું ધ્યાન દોરી તેમની સાથે ચર્ચા કરી આ મુદ્દે ધંધાર્થીઓને ન્યાય મળે તેવો પ્રયાસ કરીશ તેમ જણાવ્યું હતું.
મનપાએ પ્રસિદ્ધ કરેલ ટેન્ડર
રસના ચિચોડા, ગોલાના વ્યવસાય તથા અન્ય વ્યવસાય નિમિતે સીઝનલ ધંધા માટે રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના જુદાં-જુદાં કુલ-08 ટી.પી પ્લોટ ખાતે તા.15/02/2025 થી તા.15/06/2025 સુધી જગ્યા ભાડે આપવાની હોવાથી આ કામે વ્યવસાય કરવા ઈચ્છુક વ્યક્તિઓ પાસેથી સીલબંધ કવરમાં ભાવ તા.12/02/2025 ના રોજ સાંજે 18:00 કલાક સુધીમાં મેનેજર, એસ્ટેટ વિભાગ, રૂૂમ નં.10, ત્રીજો માળ ખાતે રજીસ્ટર એડી./સ્પીડ પોસ્ટથી પહોંચતા કરવાના રહેશે. વધુ વિગતો rmc.gov.in ‘ પરથી મેળવી શકાશે