રેસકોર્સનું રૂા.50 કરોડના ખર્ચે થશે નવિનીકરણ
10 વર્ષ બાદ સમયને અનુરૂપ નવા આકર્ષણો ઉમેરાશે, માસ્ટર પ્લાન તૈયાર
રાજકોટનું વર્ષો જૂનુ એક માત્ર હરવા ફરવાનું સ્થળ રેસકોર્સ આજે પણ શહેરીજનોમાં એટલુ જ લોકપ્રીય આજે પણ લોકો રજાઓના દિવસોમાં પ્રથમ રેસકોર્સ ઉપર પસંદગી ઉતારે છે. ત્યારે વર્ષો પહેલા તૈયાર થયેલા રેસકોર્સમાં હવે સમય મુજબના ફેરફારો કરવા જરૂરી બન્યા છે. તેવો નિર્ણય લઇ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ રેસકોર્સનું રૂા.50 કરોડના ખર્ચે નવીનિકરણ કરી નવા આકર્ષણો ઉમેરવા સહિતનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જેની ટેન્ડર અને સ્ટેન્ડિંગ કમિટિની મંજૂરી સહિતની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમ જણાવા મળેલ છે.
રાજકોટ મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા રાજકોટ શહેરમાં ત્રણ નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે જેમાં સ્માર્ટ સિટી એરિયામાં વર્કિંગ વુમન્સ હોસ્ટેલ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની સ્થાપના તેમજ રેસકોર્સનું રિનોવેશનનો સમાવેશ છે. વર્કિંગ વુમન્સ હોસ્ટેલનું ટેન્ડર પ્રસિધ્ધ થયુ છે, પીએમયુની સ્થાપના બાદ તેના મહેકમ માટે 35 ઇજનેરોની 11 માસના કોન્ટ્રાક્ટ બેઝથી ભરતી કરવાની પ્રક્રિયાને મંજૂરી મળી છે. હવે ટૂંક સમયમાં રેસકોર્સનું રિનોવેશન હાથ ધરાશે તેમ જાણવા મળે છે. રેસકોર્સ રિનોવેશન પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી તેની દરખાસ્ત સહિતની કોઇ પ્રક્રિયા હાથ ધરાઇ નથી પરંતુ ટૂંક સમયમાં દરખાસ્ત કરાશે તેમ જાણવા મળે છે. રાજકોટવાસીઓના હૃદય સમા રેસકોર્સમાં લગભગ 2015 પછી કોઇ ખાસ ફેરફારો કે નવીનીકરણ કરવામાં આવ્યું નથી. જ્યારે 2014 અને 2015માં એથ્લેટિક ટ્રેકનું નિર્માણ કરાયું હતું.
જ્યારે 2015 પછી તબક્કાવાર જેમ જરૂૂરિયાત જણાય તેમ હોકી અને ફૂટબોલ ગ્રાઉન્ડમાં પ્રેક્ષકો બેસીને મેચ નિહાળી શકે તે માટે વ્યૂઇંગ ગેલેરીનું નિર્માણ, ઇન્ડોર સ્ટેડિયમનું રિનોવેશન કરાયું હતું. બરોડાથી પ્રેરિત થઇ રેસકોર્સમાં ફ્લાવર શો યોજાયો ત્યારબાદ પુષ્પ ગલીનું નિર્માણ કરાયું,અલબત્ત આ પ્રકારનું નવીનીકરણ અને ફેરફારો રમત ગમતના મેદાનોને લગતા છે પરંતુ રેસકોર્સ ગાર્ડન સહિત સમગ્ર સંકુલનું રિનોવેશન છેલ્લા એક દાયકા દરમિયાન થયું નથી, હવે ફ્ક્ત રંગ રોગાન કે ડેકોરેશન કે વૃક્ષારોપણ નહીં પરંતુ રેસકોર્સ સંકુલમાં સમયને અનુરૂૂપ આધુનિક એવા નવા આકર્ષણો ઉમેરાશે જેના લીધે શહેરીજનોને વધુ મનોરંજન ઉપલબ્ધ થશે.