સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા રાષ્ટ્રપતિ
દેશના જનકલ્યાણ માટે દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવી પ્રાર્થના કરતા રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કર્યા હતાં.રાષ્ટ્રપતિએ ભગવાન સોમનાથ દાદાને દેશનાં નાગરિકોના જનકલ્યાણ અને સુખાકારી માટેની ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી.
રાષ્ટ્રપતિએ ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ ગંગાજળ અર્પણ કર્યું હતું અને દિવ્ય મંત્રોચ્ચાર વચ્ચે સોમેશ્વર મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી.
સોમનાથ મંદિર પરિસર ખાતે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી, ટ્રસ્ટી જે.ડી.પરમાર અને ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ રાષ્ટ્રપતિને આવકાર્યાં હતાં. રાષ્ટ્રપતિ સાથે તેમના દીકરી ઈતિશ્રી મુર્મૂ અને મહાનુભાવો જોડાયાં હતાં.