કમોસમી વરસાદમાં થયેલા નુકસાનનો પ્રાથમિક સરવે રિપોર્ટ બે દિવસમાં અપાશે
બાગાયતી અને અન્ય પાકને વ્યાપક નુકસાનની ભીતિ
ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી ભારે પવન અને કરા સાથે વરસાદ થયો છે. રાજ્યમાં થયેલા વરસાદને કારણે ખેતરમાં તૈયાર પાક નષ્ટ પામ્યો છે. જ્યારે બાગાયતી પાકમાં ઝાડ પરથી કેરીઓ અને ચીકુ ખરી પડતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ સરવે કરાવી સહાયની માગ કરતા રાજ્ય સરકારે નુકસાનીનો પ્રાથમિક અંદાજ મગાવ્યો હતો. હવે નુકસાનીનો પ્રાથમિક સરવેનો રિપોર્ટ બે દિવસમાં કૃષિ વિભાગને આપવામાં આવશે. આ સપ્તાહના અંતમાં સરવેના અનુસંધાને નિર્ણય લેવાશે.
ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદને કારણે બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આંબા પરથી કેરી ખરી પડતા વાડીના ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. બીજી તરફ ચીકુ, દાડમ, કેળા સહિતના પાકોને નુકશાન પહોંચ્યું છે. જ્યારે તલ, મગ સહિતના પાકોમાં નુકશાન અને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદથી નષ્ટ થયેલા પાક અંગે ખેડૂતોએ સરકારને સરવે કરાવી સહાય આપવા માગ કરી છે. વરસાદને કારણે બાજરી અને એરંડાનો પાક પણ નાશ પામ્યો હોવાનું ખેડૂતો પાસેથી જાણવા મળ્યું છે.
રાજ્ય સરકારે વરસાદથી થયેલા નુકસાન અંગે પ્રાથમિક અંદાજ મગાવ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા પ્રાથમિક સરવે કરીને આગામી બે દિવસમાં કૃષિ વિભાગને સોંપવામાં આવશે. ચાલુ સપ્તાહના અંતમાં સરકાર સર્વેના અનુસંધાને નિર્ણય લેશે. આ ઉપરાંત વરસાદને કારણે પશુપાલકોને પણ ભારે નુકસાન ભોગવવુ પડ્યું છે. ભારે વરસાદે કારણે અનેક પશુઓના મોતની ઘટના પણ સામે આવી હતી.