નાનામવા સર્કલે 118 કરોડમાં વેચેલો પ્લોટ મનપા ખાલસા કરશે
હરાજી બાદ છ માસમાં પૂરી રકમ ચૂકવવાની હતી છતાં અઢી વર્ષે પણ રકમ નહીં ભરાતા મનપાએ છેલ્લી નોટિસ આપી આવતીકાલ સુધીની મુદત આપી
મહાનગરપાલિકાની અન્ય આવકો પૈકી અનામત મળેલા પ્લોટના વેચાણથકી પણ દર વર્ષે ઉભી કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત નાનામૌવા સર્કલ ઉપર આવેલ સોનાની લગડી જેવો 9438 ચો.મી.ના પ્લોટની તા. 25-3-21ના રોજ જાહેર હરરાજી કરી 118 કરોડમાં વેચાણ કરવામાં આવ્યું હતું. ખરીદનારે 16.81 કરોડ ચુકવ્યા બાદ આ જ સુધી બાકીની રકમ જમા ન કરાવતા મનપાએ અનેક વખત નોટીસો આપી છતાં જવાબ નહીં આપતા હવે છેલ્લી નોટીસ આપી રવિવાર સુધીની મુદત આપવામાં આવી છે. નહીં તો સોમવારે પ્લોટ ખાલસા કરવામાં આવશે તેમ મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે. મહાનગરપાલિકાએ નાનામૌવા સકર્લ પાસે હરાજીથી વેચેલ 118 કરોડના પ્લોટના નિયમ મુજબ પ્રથમ 16.81 કરોડ ખરીદનારે ચુકવ્યા હતાં. ત્યાર બાદ છ માસમાં બાકીની રકમ જમા કરાવવાની રહેતી હતી પરંતુ ખરીદનારે કોર્ટ કેસ ઉભા કરી તેમજ બહાના બતાવી અઢી વર્ષનો સમય વિતાવી નાખતા ભારે દેકારો બોલી ગયો હતો અને ખરીદનાર સાથે રાજકારણીઓ પણ હોવાની ચર્ચા જાગેલ. ત્યાર બાદ મનપાએ પણ નિયમ મુજબ ખરીદનારને વખતો વખત નોટીસ આપી બાકીની રકમ જમા કરાવવાની સુચના આપી હતી. છેલ્લા અઢી વર્ષથી મહાનગરપાલિકા બાકી રહી ગયેલા 101 કરોડની ઉઘરાણી કરી રહી છે. છતાં ખરીદનારે આજ સુધી મચક ન આપતા એક સપ્તાહ પહેલા અંતીમ નોટીસ આપી રવિવાર સુધીમાં પૈસા જમા કરાવવા નહીંતર પ્લોટ ખાલસા કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. નાના મૌવા સર્કલ ખાતેનો પ્લોટ હરાજીથી મેળવ્યા બાદ બિલ્ડરે નિયમ મુજબના પ્રથમ હપ્તાના રૂા. 16.81 કરોડ ચુકવી દીધા હતા ત્યાર બાદ 6 માસમાં પુરે પુરી રકમ ચુકવવાની હતી છતાં અઢી વર્ષના ગાળામાં એક પણ રૂપિયો જમા કરાવેલ નથી. જેથી જાન્યુઆરી માસમાં અંતિમ નોટીસ આપવામાં આવી હતી. જેમાં બિલ્ડરે હોસ્પિટલનું બહાનુ આગળ ધર્યુ હતું. અને આજ સુધી તેનો જવાબ આપ્યો નથી. આથી ટાઉન પ્લાનીંગ વિભાગે છેલ્લી નોટીસ સાત દિવસની આપી છે. જેની મુદત આવતી કાલે પૂર્ણ થવાની છે. પરિણામે સોમવારે રકમ ન મળ્યે જમાન ખાલસા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટાઉન પ્લાનીંગ વિભાગે વધુમાં જણાવેલ કે, અઢી વર્ષ પહેલા હરાજીમાં વેચવામાં આવેલ બમણા થઈ ગયા છે. આથી હવે જમા થનાર પૈસા ક્યા પ્રકારે લેવા અને ભાવ વધારા મુજબ કાર્યવાહી કરવી કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.
કોર્ટ મેટરથી બચવા કેવિએટ દાખલ કરાઈ
મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ નાનામૌવા સર્કલ પાસે 2021માં વેચાણ કરેલ પ્લોટનાબાકી રહેલા 101 કરોડ આજ સુધી જમા ન થતાં બિલ્ડર વિરુદ્ધ પ્લોટ ખાલસા કરવાની તૈયારી આરંભવામાં આવી છે. આજે આ જમીનનો ભાવ 180થી 200 કરોડ રૂપિયા અંદાજવામાં આવી રહ્યો છે. આ સ્થિતિમાં નિયમોનુસાર જમીન હરાજી રદ કરીને નવેસરથી હરાજી થઈ શકે તે માટે અને ફરી વખત ખરીદનાર દ્વારા કોર્ટ મેટર ઉભી ન કરી શકે તે હેતુથી મનપાએ કોર્ટમાં કેવીએટ દાખલ કરી છે.
કાલે પૈસા ભરાશે તો વ્યાજ વસુલાશે કે કેમ ?
મનપા દ્વારા નાનામૌવા ખાતે હરાજીમાં વેચેલ પ્લોટના રૂા. 101 કરોડ છેલ્લા અઢી વર્ષથી બાકી છે. અને ટીપી વિભાગે છેલ્લી નોટીસ આપી આવતી કાલ સુધીની મુદત આપી છે. છતાં હાલમાં પ્લોટનો ભાવ ડબલ થઈ ગયેલ હોય બિલ્ડર દ્વારા પ્લોટ જતો ન કરે ત્યારે જો પૈસા આવતી કાલે જમા કરાવવામાં આવે તો છ મહિનાની મુદત બાદ કરતા પણ બે વર્ષ બાદ પૈસા જમા થાય ત્યારે બે વર્ષનું વ્યાજ વસુલવું કે આજની તારીખે આ જગ્યાની કિંમતનો અંદાજ લગાવી પૈસા વસુલવા તે માટે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.