પહેલા વરસાદમાં જ સિગ્નેચર બ્રિજના પાર્કિંગની દીવાલ ધરાશાયી
હાલમાં જ લોકાર્પણ કરાયેલ સુદર્શન સેતુની સાથે પાર્કિંગનું પણ નિર્માણ કરાયું હતું, ભારે પાણીના વહેણથી પ્રેશર આવતા તૂટી જવાનો આરએન્ડબીનો જવાબ
યાત્રાધામ બેટ દ્વારકામાં તાજેતરમાં સુદર્શન સેતુ સાથે નિર્માણ પામેલી પાર્કિંગની દિવાલનો મોટો હિસ્સો હાલ ચોમાસાના પહેલા વરસાદના પહેલા રાઉન્ડમાં જ ધરાશાયી થઈ ગયો છે. થોડા માસ પૂર્વે જ બેનમૂન અને આઈકોનીક સુદર્શન સેતુ (સિગ્નેચર બ્રીજ)નું પ્રધાનમંત્રી હસ્તે લોકાર્પણ કરાયા બાદ તેની સંલગ્ન બેટ દ્વારકા પાર્કિંગ પણ નિર્માણ કરાયું હતું. આ પાર્કિંગની દિવાલનો મોટો હિસ્સો પહેલા વરસાદમાં જ ધોવાઈ જતાં વિકાસ કાર્યોની ગુણવત્તા સામે સવાલો ઉઠયા છે.
આ અંગે ઓખા બેટ દ્વારકા વચ્ચે બનાવવામાં આવેલ સુદર્શન સેતુની દેખરેખ કરતી સંસ્થા આર. એન્ડ બી. દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગઈકાલે વરસાદ વધુ હોવાથી પાણીનું વહેણ ખૂબ વધારે હોવાથી પાર્કિંગની દીવાલને પ્રેશર લાગતા તૂટી જવા પામી હતી. આ દીવાલ આગામી દિવસોમાં વધુ મજબૂત બનાવવામાં આવશે.
દ્વારકામાં સનસેટ પોઇન્ટના વોકિંગ ટ્રેકની દીવાલ ધરાશાયી
સુવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં ચાલી રહેલાં વિકાસ કાર્યો પૈકીના સનસેટ પોઈન્ટ નજીકના વોકીંગ ટ્રેકની દિવાલનો વિશાળ ભાગ તાજેતરના પહેલા જ વરસાદમાં ધરાશાયી થઈ ગયો છે. નગરપાલીકા દ્વારા કોન્ટ્રાકટ મારફતે લોકોની સુખાકારી માટે બનાવવામાં આવી રહેલ આ વોકીંગ ટ્રેકનું હજુ સુધી લોકાર્પણ પણ કરવામાં આવ્યું નથી અને દિવાલ બન્યાના પહેલા વરસાદના પહેલા રાઉન્ડમાં જ આ દીવાલનો આશરે 50 મીટરથી વધુ જેટલો ભાગ ધરાશાયી થઈ ગયો છે. (તસવીર:- કુંજન રાડિયા)