ધમધમતા કોમર્સિયલ બિલ્ડિંગના માલિકે પાર્કિંગમાં જવાનો મુખ્ય રસ્તો બંધ કર્યો
જામનગર શહેરના પોશ વિસ્તાર ગણાતા હીરજી મિસ્ત્રી રોડ પર એક બિલ્ડીંગ માલિક દ્વારા આચરવામાં આવેલી ગેરકાયદે પ્રવૃત્તિના કારણે જાહેર માર્ગ પર વાહનોનો ખડકલો થતા ટ્રાફિક અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બિલ્ડીંગના આગળના ભાગે પાર્કિંગમાં જવાના રસ્તાને બંધ કરીને ત્યાં દુકાનો બનાવી દેવામાં આવતા અને આ દુકાનોને ભાડે આપી દેવામાં આવતા પરિસ્થિતિ વધુ વણસી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હીરજી મિસ્ત્રી રોડ પર આવેલી શ્રીજી કોમ્પ્લેક્સ નામના કોમર્શિયલ બિલ્ડીંગના માલિક દ્વારા બિલ્ડીંગના આગળના ભાગે આવેલો પાર્કિંગમાં જવાનો મુખ્ય રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ જગ્યા પર સ્લેબ ભરીને તેમણે નવી દુકાનોનું નિર્માણ કર્યું છે અને આ દુકાનો હાલમાં ધમધમી રહી છે. આ ગેરકાયદે બાંધકામના કારણે બિલ્ડીંગમાં આવતા વાહનો માટે પાર્કિંગની કોઈ વ્યવસ્થા રહી નથી.
આ બિલ્ડીંગમાં આઇસીઆઇસીઆઈ અને એચડીબી ફાઇનાન્સ બેંક અને જેકે શાહ ટ્યુશન ક્લાસ, વાવ જીમ, વરમોરા ટાઇલ્સ શો રૂૂમ સહિત અનેક કોમર્શિયલ ધંધા ચાલી રહ્યા છે. આ તમામ સંસ્થાઓમાં આવતા ગ્રાહકો અને કર્મચારીઓના વાહનો હવે જાહેર માર્ગ પર જ પાર્ક થવા મજબૂર બન્યા છે.
બિલ્ડીંગ સામે રોડની બાજુએ વાહનોની લાંબી કતારો લાગી જવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન પરિસ્થિતિ અત્યંત ખરાબ હોય છે. રાહદારીઓ માટે ફૂટપાથ પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે, કારણ કે ફૂટપાથ પર પણ વાહનો પાર્ક કરી દેવામાં આવે છે. સ્થાનિક રહીશો અને અન્ય વાહનચાલકો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
આ ગેરકાયદે બાંધકામ અને પાર્કિંગની સમસ્યા અંગે સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. હવે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે બિલ્ડીંગ માલિક દ્વારા ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ આ ગેરકાયદે પાર્કિંગના પાછળથી સુધારા વધારા કરાવવા માટે કેટલાક અધિકારીઓ સાથે મોટો વહીવટ કરવામાં આવ્યો છે. જો આ વાત સાચી હોય તો ભ્રષ્ટાચારના કારણે જાહેર જનતાને ભારે હાલાકી ભોગવવી પડશે.
સ્થાનિક વેપારીઓ અને રહીશો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવે અને જાહેર માર્ગ પર થતા અવ્યવસ્થિત પાર્કિંગને નિયંત્રિત કરવા માટે કડક પગલાં લેવામાં આવે. જો તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક ધ્યાન આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ સમસ્યા વધુ ગંભીર સ્વરૂૂપ ધારણ કરી શકે છે. હીરજી મિસ્ત્રી રોડ પરની આ પરિસ્થિતિ જામનગર શહેરના અન્ય વિસ્તારો માટે પણ એક ચેતવણીરૂૂપ છે કે જો ગેરકાયદે બાંધકામો અને પાર્કિંગની સમસ્યા પર ધ્યાન નહીં આપવામાં આવે તો જાહેર જનતાને આવી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.