માલિકે મોતનો મલાજો પણ ન જાળવ્યો; પિતરાઇની અંતિમ ક્રિયામાં જતા યુવકને મકાન ખાલી કરવાનું કહેતા વખ ધોળ્યું
લોધીકાના મેટોડામાં મકાન માલિકે મોતનો મલાજો જાળવ્યો ન હોય તેમ ભાડુંઆત યુવકને પિતરાઈ ભાઈની અંતિમ ક્રિયામાં જાય તે પહેલાં જ મકાન માલિકે મકાન ખાલી કરી ગામડે જજે તેવું કહેતા યુવાને ઝેરી દવા પી લીધી હતી.
યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધીકાના મેટોડા જીઆઇડીસી ગેટ નંબર બે અંદર રહેતા ભરત છગનભાઈ ચાવડા નામનો 42 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરતાં મેટોડા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવાન મૂળ કાલાવડના મૂળીલા ગામનો વતની છે અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે ભરત ચાવડા ત્રણ ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ છે અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ભરત ચાવડા મેટોડામાં ભાડાના મકાનમાં રહી મજૂરી કામ કરે છે અને ગઈકાલે તેના કાકાના દીકરાનું કેન્સરની બીમારી સબબ મોત નીપજતા તે ગામડે જવાની તૈયારી કરતો હતો ત્યારે મકાન માલિકે ભરત ચાવડાને તું પહેલા મકાન ખાલી કરી નાખ પછી ગામડે જજે તેમ કહેતા ભરત ચાવડાને માઠું લાગી આવ્યું હતું. આવેશમાં આવેલા યુવાને ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મેટોડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.