પાડાના વાંકે પખાલીને ડામ, નો એન્ટ્રીના નિયમનો ઉલાળિયો
ધ્રોલ પોલીસ હાલ રેકડી ધારકો પર કેસ કરી રહી છે ત્યારે ધ્રોલ શહેરમાં સવારના નવ વાગ્યા થી રાત્રિના આઠ વાગ્યા સુધી ભારે વાહન માટે નો- એન્ટ્રી હોય તેમ છતાં દિવસ દરમિયાન અવિરત ભારે વાહનો પસાર થઈ રહ્યા છે.
અત્યારની અસહ્ય મોંઘવારીમાં ઘરનું ગુજરાન ચલાવવું સામાન્ય માણસ માટે કપરુ બન્યું છે ત્યારે ધ્રોલમાં રેકડી ચલાવીને ફળ ફ્રૂટ વેચીને માંડ માંડ નજીવો નફો રળતા ગરીબ રેકડી ધારકો ઉપર પોલીસે ટ્રાફિકને અડચણરૂૂપ હોય તેવા કેસ કરતા રેકડી ધારકો મુશ્કેલીમાં મુકાયા છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ નો આદેશ છે કે ધ્રોલ શહેરમાંથી દિવસ દરમિયાન સવારના 9 થી રાત્રિના આઠ વાગ્યા સુધી ભારે વાહનો માટે પ્રવેશ બંધ હોય તેમ છતાં દિવસ દરમિયાન ભારે વાહનો ખાસ કરીને રેતીના ડમ્ફરો કોઈપણ પ્રકારના રોકટોક વગર પસાર થઈ રહ્યા છે અને સમયાન્તરે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે.શહેરમાં પ્રવેશતા ભારે વાહનોને અટકાવવા માટે હોમગાર્ડઝ ના જવાનોને ફરજ પર રાખેલા હોય જે શોભાના ગાંઠીયા સમાન પુરવાર થઈ રહ્યા છે ત્યારે નો- એન્ટ્રીના નિયમ નો ઉલાળીયો કરતા ભારે વાહન ચાલકોને બદલે સામાન્ય રેકડી ધારકો ઉપર કેસ કરતા સ્થાનિક પોલીસની કામગીરી ઉપર પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે.